ભરૂચના દહેજ અને ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે ચાલતી રો રો ફેરી સર્વિસ આખરે બંધ થઇ ગઇ છે. દહેજ બંદરે ડ્રેજીંગની કામગીરી નહિ કરવામાં આવતાં દરીયામાં રેતી અને માટી વધી જતાં જહાજ ચાલી શકે તેવી સ્થિતિમાં નથી. જીએમબીમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહિ થતાં આખરે ફેરીનું સંચાલન કરતી કંપનીએ સેવાઓને અચોકકસ મુદત સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર કાપવામાં લાગતો સમય ઘટાડવા માટે બે વર્ષ અગાઉ રો રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. જેમાં દહેજ અને ઘોઘા બંદર વચ્ચે દિવસમાં બે વખત રો રો ફેરી સર્વિસનું સંચાલન કરવામાં આવતું હતું. દહેજથી ધોધા બે કલાકથી ઓછા સમયમાં પહોંચી શકાતું હતું. મુસાફરો તેમના વાહનો સાથે જહાજમાં મુસાફરીનો રોમાંચ માણી શકતા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટને વધુ એક વિધ્ન નડયું છે. ભાવનગરનું ઘોઘા અને દક્ષિણ ગુજરાતનું દહેજ બંદર ખંભાતના અખાતમાં આવેલાં છે. આ અખાતમાં નર્મદા, તાપી, સાબરમતી, મહી, વિશ્ચામિત્રી, સહિત ૩૮ થી વધું નાની મોટી નદીઓ મળે છે. આથી પાણી સાથોસાથ મોટા પ્રમાણમાં કાંપ ઢસડાઈ આવે છે. તદ્દ ઉપરાંત આ સમુદ્રમાં બારેમાસ હેવી કરંટ રહે છે. પરિણામે જહાજ ચલાવવા માટેની ચેનલમાં કાંપનો ભરાવો થઈ જાય છે. ઈન્ડીગો સી વેયઝ કંપનીએ જીએમબીને પત્ર પાઠવી ચેનલમાં સત્વરે ડ્રેઝીંગ કરવા જણાવ્યું હતું. પરંતુ જીએમબી દ્વારા આ અંગે કોઈ પણ કામગીરી કરવામાં ન આવતા મંગળવારે અચોક્કસ મુદત સુધી ફેરી સેવા સ્થગિત કરવાની ફરજ પડી છે.