/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/phpthumb_generated_thumbn.jpg)
અધિકારીઓ સામે પગલાં લેવાની ખાતરી
મુખ્યમંત્રી વિજય રૂપાણી વિદેશ પ્રવાસે છે ત્યારે ભાજપના ત્રણ નારાજ ધારાસભ્યોનો અસંતોષ સપાટી પર આવતા ડેમેજ કંટ્રોલ કરવા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ત્રણેયને ગાંધીનગર બોલાવ્યા હતા. નિતિન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિતિન પટેલના બંગલે જ નારાજ ત્રણ ધારાસભ્યો પૈકી મધુશ્રીવાસ્તવ અને કેતન ઇનામદારને સાંભળ્યા અને સમજાવ્યા હતા.
ધારાસભ્ય યોગેશ પટેલને રૂટીન મેડિકલ ચેકઅપ માટે જવાનું હોવાથી તેઓ ગાંધીનગર આવી શકયા ન હતા. જોકે યોગેશ પટેલે ફોન પરની વાતચીતમાં એવું કહ્યું હતું કે, રૂપાણી ઇઝરાયલ પ્રવાસેથી પરત ફરે ત્યારે ફરી અમે ત્રણેય ધારાસભ્યો અમારી રજૂઆત કરીશુ. જયારે ગાંધીનગર આવનાર બંન્નેવ ધારાસભ્યોએ હાલના તબક્કે સંતોષ વ્યકત કરીને રૂપાણી આવ્યા પછી અધિકારીઓ સામે પગલા નહીં ભરાય તો ફરી અભિયાન હાથ ધરવાની જાહેરાત કરી હતી.
ધારાસભ્યોએ જે પાંચ અધિકારીઓ સામે નારાજગી વ્યકત કરી તેમની સામે પગલા ભરવાની ખાતરી મળતા તેમણે હાલ પુરતો સંતોષ વ્યકત કર્યો હતો. મધુ શ્રીવાસ્તવે એવો દાવો કર્યો હતો કે ૧૦થી વધુ ધારાસભ્યો અધિકારીઓ દ્વારા થતી ઉપેક્ષા મામલે નારાજ છે.
નીતિન પટેલે બંને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજેલ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કેટલાક અધિકારીઓ પ્રજાના કામ સમયસર કરતા નથી, ધારાસભ્યોનું માન જાળવતા નથી તેવી લાગણી ત્રણેય ધારાસભ્યોએ વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓના નામ પણ આપ્યા છે. મુખ્યમંત્રી પરત આવે પછી અમે તેમની સાથે વિગતવાર ચર્ચા કરીશું અને જવાબદાર અધિકારી સામે પગલાં લઇશું.
મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે મંત્રીઓ લીલી પેનથી લખીને આપે છતાં ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ કામ કરતા નથી. કેતન ઇનામદારે કહ્યું કે આજની બેઠકમાં અપાયેલી ખાતરીથી અમને સંતોષ છે. મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મેળવવાની કોઇ વાત નથી.
તો બીજી તરફ મુખ્યમંત્રી રૂપાણી હાલ ઇઝરાયલના પ્રવાસે છે ત્યારે જ ધારાસભ્યોમાં ઊભી થયેલી નારાજગીના પગલે રૂપાણીએ ઇઝરાયલથી ફોન કરીને નીતિન પટેલ સાથે વાત કરીને વિગતો મેળવી હતી. નીતિન પટેલે કહ્યું કે ગઇકાલે ફોન પર મુખ્યમંત્રી સાથે વાત થઇ હતી. પ્રવાસ દરમિયાન આમ પણ તેઓ અહીંની કામગીરી બાબતે સંપર્કમાં રહે છે.
- મુખ્ય સચિવથી લઇ કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓને સૂચના અપાશે
અધિકારીઓ દ્વારા કામગીરીમાં વિલંબ અને ધારાસભ્યોની ઉપેક્ષા જેવી બાબતમાં ભાજપના ત્રણ ધારાસભ્યોની નારાજગી જાહેર થતાં સરકાર ચોંકી ઊઠી છે. નીતિન પટેલે કહ્યું કે કોઇપણ નાગરિકના નિયમ મુજબના કામ સમયસર થવા જોઇએ તે જરૂરી છે. સાથે પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યોને પણ યોગ્ય સન્માન મળવું જોઇએ. આ અંગે અમે ચીફ સેક્રેટરીથી લઇને જિલ્લા કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ, વિભાગના વડાઓને સૂચના આપીશું.
- ધારાસભ્યોને મુલાકાત માટે બેસાડી રાખનાર પાંચ અધિકારીઓ કોણ?સચિવાલયમાં ચર્ચા
ધારાસભ્યોને મુલાકાત આપવામાં કલાકો સુધી બેસાડી રાખનાર અધિકારી કોણ છે તે અંગે સચિવાલયમાં દિવસભર ચર્ચા ચાલી હતી. જો કે, નીતિન પટેલ અને નારાજ ધારાસભ્યોએ કોણ અને કેટલા અધિકારીઓ સામે નારાજ છે તે મામલે ભારે સસ્પેન્શ રખાયું છે. જો કે, ગાંધીનગરમાં બેસતા અધિકારી તે વાત સ્પષ્ટ કરાઇ છે. સાથે પાંચ અધિકારી હોવાનું પણ કહેવાય છે.