સંગીતનું મૂળ ભારતમાં છે. સંગીત સાથે હિન્દુ ધર્મનો પ્રાચીન સંબંધ છે. ચાર વેદ, સ્મૃતિ, પુરાણ અને ગીતા જેવા ધાર્મિક ગ્રંથોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે હજારો માર્ગો જણાવવામાં આવ્યા છે. તેમાંથી એક ઉપાય સંગીત છે. તેથી, હિન્દુ ધર્મમાં સંગીત એ મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન છે. સંગીત આપણા મન અને મગજને સંપૂર્ણપણે શાંત અને સ્વસ્થ બનાવે છે.

ભારતમાં પ્રાચીન કાળથી સંગીતની પરંપરા રહી છે. લગભગ તમામ દેવી-દેવતાઓનું પોતાનું અલગ સંગીત સાધન છે. વિષ્ણુ પાસે શંખ છે, શિવ પાસે ડમરુ છે, નારદ મુનિ તથા દેવી સરસ્વતી પાસે વીણા છે અને ભગવાન કૃષ્ણ પાસે વાંસળી છે. સંગીતનો સૌથી જૂનો ગ્રંથ સામવેદ છે. સામવેદ એ વૈદિક સ્તોત્રોનો સંગ્રહ છે, જે ગેય છે. વિશ્વભરના સંગીત ગ્રંથો સામવેદથી પ્રેરિત છે… ભારતીય સંગીત રાગ આધારિત છે અને તેમાં ૬૩૦ થી વધુ રાગો છે. વીણા, સારંગી, બીન, મૃદંગ, ઢોલ, નગારું, ડમરુ, બેલ, ઘંટ, મંજીરા, ઘટમ, પુંગી, ઢાંક, તબલા, શહેનાઈ, સિતાર, સરોદ, પખવાજ, સંતૂર, તાનપુરા, જલતરંગ વગેરે સંગીત વાદ્યોની શોધ ભારતમાં થઈ.

સર્વપ્રથમ નૃત્યની શરૂઆત ભારતમાં થઈ. સમગ્ર વિશ્વની નૃત્ય શૈલીઓ પ્રાચીન ભારતીય નૃત્ય સ્વરૂપમાંથી વિકસિત થઈ છે. હડપ્પન સંસ્કૃતિમાં નૃત્ય શિલ્પો મળી આવ્યા છે, જે સાબિત કરે છે કે આ સમયગાળા દરમિયાન જ નૃત્યનો વિકાસ થઈ ગયો હતો. સામવેદમાં સંગીતની સાથે નૃત્યનો પણ ઉલ્લેખ છે. ભરતમુનિનું નાટ્ય શાસ્ત્ર નૃત્યનો પ્રથમ અને સૌથી અધિકૃત ગ્રંથ માનવામાં આવે છે. તેને પંચમવેદ કહેવામાં આવે છે.

નાટ્યશાસ્ત્ર અનુસાર, ભારતમાં ભરતનાટ્યમ, કુચિપુડી, ઓડિસી, કથ્થક, કથકલી, યક્ષગાન, કૃષ્ણઅટ્ટમ, મોહિનીઅટ્ટમ અને મણિપુરી જેવા અનેક પ્રકારના નૃત્ય સ્વરૂપો વિકસિત થયા. આ સિવાય ભારતમાં ઘણી સ્થાનિક સંસ્કૃતિમાં અને આદિવાસી વિસ્તારોમાં અદભૂત નૃત્ય જોવા મળે છે, જેમાં રાજસ્થાનના પ્રખ્યાત કાલબેલિયા નૃત્યને યુનેસ્કોની નૃત્ય યાદીમાં સમાવવામાં આવ્યું છે. પ્રદેશ પ્રદેશનાં નૃત્યો જુદાં જુદાં પ્રકારનાં હોય છે. જેવાં કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાનાં છાઉ નૃત્યો, પ્રાચીનતમ સંસ્કૃત નાટકો પર આધારિત કેરળનું કુડિયારુમ નૃત્ય, મણિપુરનું થાંગ, કાશ્મીરનું ભાંડ નૃત્ય, આસામનું મણિપુરી, મધ્યપ્રદેશનું રેમ્પા, મહારાષ્ટ્રનું કોળી નૃત્ય, રાજસ્થાનનું ઘૂમર અને તેરાતાલી, ગુજરાતના રાસ-ગરબા, પંજાબનું ભાંગડા નૃત્ય અને ડાંગ વિસ્તારના આદિવાસીઓનાં સ્ફૂર્તિલાં નૃત્ય… વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

યુદ્ધકળા તથા આત્મરક્ષાની પદ્ધતિઓની શરૂઆત સર્વપ્રથમ ભારતમાં થઈ. અસ્ત્ર શસ્ત્ર અને હથિયારોની શરૂઆત પણ સર્વપ્રથમ ભારતમાં જ થઈ… રામાયણ અને મહાભારત કાળમાં પણ પરમાણુબોમ્બ જેવા શક્તિશાળી હથિયાર હતા… જેને બનાવવામાં વિજ્ઞાન હજુ સુધી સફળ થયું નથી… ઈરિક વોન ડેનિકેન તેમના બેસ્ટ સેલર પુસ્તક ‘Chariots of the Gods’માં લખે છે, “મહાભારતના સમયગાળામાં યોદ્ધાઓ પાસે એવા હથિયાર હતા કે જેનાથી ૧૨ વર્ષ સુધી પૃથ્વી સૂકાઈ જાય. વળી, એવા શક્તિશાળી હથિયાર પણ હતા કે જેનાથી માતાના ગર્ભમાં રહેલા બાળકને પણ મારી શકાય.” વર્તમાન સમયે ભારત વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ છે. છતાંય, ભારતે ક્યારેય કોઈ દેશ પર આક્રમણ કે હુમલો કર્યો નથી.

ભારત એટલે ખેતી અને સિંચાઈની સૌથી પ્રાચીન ભૂમિ… સુજલામ્ સુફલામ્ આ ભૂમિ પર દસ હજાર વર્ષ પહેલા ૨૦ પ્રકારનાં ધન્ય-ધાન્યોની ખેતી થતી હતી… ઋતુ અનુસાર ખેતી કરવામાં પ્રાચીન ભારતીયો સર્વથી મોખરે હતા… સિંચાઈ માટેનો સૌથી પહેલો બંધ અને જળસંચય માટેના સરોવરની યોજના પણ સર્વપ્રથમ ભારતમાં થઈ. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજા રુદ્રદામન પહેલાએ રૈવતક પર્વત (ગીરનાર)ની ટેકરીઓ વચ્ચે ‘સુદર્શન’ નામનું સુંદર તળાવ બનાવીને જળસંચય અને સિંચાઈની શરૂઆત કરેલી.

પુલ બાંધવાની શરૂઆત પણ ભારતમાં થઈ… જેનું ઉદાહરણ છે – રામસેતુ. વાલ્મિકી રામાયણમાં વર્ણન છે કે, આ પુલ લગભગ ૫ દિવસમાં બનાવવામાં આવ્યો હતો, જેની લંબાઈ ૧૦૦ યોજન અને પહોળાઈ ૧૦ યોજન હતી. રામાયણમાં આ પુલને ‘નલ સેતુ’ નામ આપવામાં આવ્યું છે. નળની દેખરેખ હેઠળ, વાનરસેનાએ ભારે પ્રયત્નથી આ પુલ બનાવ્યો હતો.

નૌકા અને દરિયાઈ સફરની શરૂઆત ભારતમાં થઈ. ફ્રાંસીસ યાત્રી વાલ્ટજર સાલવિન્સે પોતાના પુસ્તક ‘હિંદુ’ માં લખ્યું છે કે, “પ્રાચીનકાળમાં વહાણનિર્માણ ક્ષેત્રે હિંદુઓ સૌથી આગળ પડતા હતા. તેઓ આજે પણ યુરોપને આ બાબતમાં શિક્ષણ આપી શકે તેમ છે. અંગ્રેજોને આ બાબતે ભારતીયો પાસેથી ઘણું શીખવા મળ્યું. ભારતીય વહાણોમાં સુંદરતા અને ઉપયોગિતાનો ખૂબ જ સારો સંયોગ જોવા મળે છે જે હિંદુસ્તાની કારીગરોની ધીરજ અને કારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે…”

માર્કો પોલોએ પણ ઉલ્લેખ કર્યો છે કે, “ભારતમાં બમણા તખ્ત વાપરીને વહાણો બનાવાતા. તેમાં લોખંડના ખીલા વપરાતા, ખીલાઓની આજુબાજુ એક વિશિષ્ટ પ્રકારનું ગુંદર ભરવામાં આવતું. એક વહાણમાં ૩૦૦ નાવિકોની જરૂર પડતી. તેમાં છ હજાર જેટલા કોથળા માલ ભરી શકાય તેટલી ક્ષમતા રહેતી. રહેવા માટે ઉપર ઓરડાઓ બનાવવામાં આવતા. જ્યારે તળિયું સડી જતું ત્યારે તેની પર લાકડાનું નવું તખ્ત ચડાવીને વહાણ ફરી કામમાં લેવામાં આવતું. આવી રીતે ૬-૬ જેટલા તખ્ત લગાડીને વહાણને વારંવાર વાપરી શકાતું…”

પ્રાચીન ભારતમાં નદીઓમાં નાવ અને દરિયામાં જહાજોથી મુસાફરી થતી હતી… તો આકાશમાં વિમાનો ઊડતા હતા. ભગવાન રામ લંકાવિજય બાદ પુષ્પક વિમાનમાં અયોધ્યા પાછા ફર્યા હોવાનું વર્ણન છે. વિષ્ણુ, ઇન્દ્ર, રાવણ વગેરે સહિત અનેક દેવી -દેવતાઓ સિવાય ઋષિમુનિઓ, મનુષ્યો પણ પોતાના વિમાન ધરાવતા હતા.

શહેરીકરણની શરૂઆત ભારતમાં થઈ…દુનિયાનું સૌથી પ્રાચીન શહેર ભારતમાં આવેલું છે. પૌરાણિક અને ઐતિહાસિક તથ્યો અનુસાર, વિશ્વનું સૌથી જૂનું શહેર વારાણસી છે, જેને બનારસ – કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશીનો ઉલ્લેખ જોવા મળે છે. હિન્દુ ઇતિહાસ મુજબ, વારાણસી – કાશી ૧૦,૦૦૦ વર્ષ પહેલાં કશ્યપ ઋષિના સમયથી અસ્તિત્વમાં છે. ભગવાન બુદ્ધે જ્યારે બનારસની મુલાકાત લીધી ત્યારે તે ‘પૌરાણિક શહેર’ તરીકે ઓળખાતું હતું. પ્રાચીન વિશ્વના સૌથી મોટા શહેરોમાંનું એક, પાટલીપુત્ર ભારતના મગધ સામ્રાજ્યની રાજધાની હતું. સિંધમાં સિંધુ નદીને કિનારે આવેલું મોહેં-જો-દડો એ ભારતમાં શોધાયેલું સૌથી પ્રાચીન નગર છે. સિંધુ નદીના ખીણ પ્રદેશમાં અને તેની ઉપરની બાજુએ એક બીજા પ્રાચીન નગરનું ખોદકામ કરાયું છે જે હડપ્પા છે.

યોગ, માપક, શર્ટનું બટન, રુલર, શેમ્પૂ, શેરડીના રસમાંથી ખાંડ બનાવવી, ચક્ર-વ્હીલ, ડીશ, રથ, બળદગાડી, રેડિયો, શાહી, વીજળી, કેલેન્ડર, અણુ સિદ્ધાંત, સામ્યવાદ, ચંદ્ર પર પાણી… વગેરેની શોધ ભારતમાં થઈ… આ ઉપરાંત, હીરાની શોધ પણ ભારતમાં થઈ… અમેરિકાની જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટના ઉલ્લેખ અનુસાર વર્ષ ૧૮૯૬ સુધી, ભારત વિશ્વમાં હીરાનો એકમાત્ર સ્ત્રોત હતો.

ભારત લોકશાહીની જન્મભૂમિ છે… વેદકાલીન સમયથી જ અહીંયા સ્વરાજ અને ગણતંત્રનો પ્રારંભ થઈ ગયો હતો… વૈદિક જનપદમાં હજારો વર્ષ પૂર્વે ચૂંટણી થતી હતી… જેમાં ભિન્ન-ભિન્ન રંગોની લાકડીઓથી મતદાન થતું હતું… અંતે મધ્યસ્થી વિજેતાને ઘોષિત કરતા હતા… વર્તમાનકાળે વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે… દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતમાં છે… અને ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી લાંબું સંવિધાન છે… આજે ભારત પાસે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

ચોખા અને ઘઉં એ ભારતના મુખ્ય અનાજ છે. રસગુલ્લા, સંદેશ જેવી મીઠાઈઓ પશ્ચિમ બંગાળની ઓળખ છે. આ ઉપરાંત, તમિલનાડુનું પોંગલ, કર્ણાટકનાં બીસી બેલે ભાત અને પુલિયોગારે, મહારાષ્ટ્રની પુરણ પોળી અને શ્રીખંડ, ગુજરાતનું ઊંધિયું, રાજસ્થાનની દાલ બાટી, બિહારના લિટ્ટી ચોખા, પંજાબના છોલે ભટૂરે અને દિલ્હીની ચાટ ખૂબ પ્રખ્યાત છે.

ભારત વિશ્વમાં સૌથી વધુ મસાલા ઉત્પાદક દેશ છે. ભારતીય મસાલામાં શિરમોર હતા : તજ અને મરી. વિશ્વના સૌથી તેજ મરચાં, ભૂત જોલોકિયા ભારતના પૂર્વીય રાજ્યોમાં ઉગાડવામાં આવે છે… દરિયાઈ પવનો સાનુકૂળ હોય ત્યારે વિદેશથી સોએક જેટલા વહાણો પ્રતિવર્ષ કેરળ, તમિલનાડુ અને ગુજરાતના બંદરેથી મસાલા ભરી જતા. આ મસાલાનો દબદબો એવો કે પહેલી સદીમાં ગ્રીકમાં લખાયેલ પુસ્તક ‘પેરિપ્લસ ઓફ એરિશિયન સી’માં લખ્યું છે કે, ‘તજની અડધો કિલો છાલ એવરેજ રોમનના છ મહિનાના પગારની કિંમતમાં મળતી !’ રોમન લેખક પ્લીની ધ એલ્ડરે લખ્યું છે કે, ‘દર વર્ષે આપણી સાડા પાંચ કરોડ મુદ્રાઓ તો ભારતીય મસાલા ખરીદવામાં વપરાય છે.’ આવા કમ્મરતોડ ભાવને લીધે ઇન્ડિયન સ્પાઇસીઝ દેવતાઓ બનાવતા એવી વાર્તાઓ પ્રચલિત હતી.

દુનિયામાં સૌથી વધારે શાકાહારી લોકો ભારતમાં રહે છે… એટલા માટે તો, પિત્ઝાહટ વાળાએ ભારતમાં તેની પ્રથમ શાકાહારી રેસ્ટોરન્ટ ખોલી… KFC એ ભારતીયો માટે ‘શાકાહારી’ મેનૂ લાગુ કર્યું… મેકડોનાલ્ડે પોતાની પ્રથમ શાકાહારી રેસ્ટોરન્ટ ભારતમાં ખોલી.

ભારત વિશ્વમાં કેળાંનું સૌથી મોટું નિકાસકાર છે… ભારત વિશ્વમાં સોનું ખરીદવામાં મોખરે છે… દૂધના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં સૌપ્રથમ સ્થાને છે… ભારત વિશ્વમાં ચાનું સૌથી મોટું ઉત્પાદક અને ગ્રાહક છે… ફળોનો રાજા કેરીના સૌથી વધારે ઉત્પાદન અને નિકાસમાં ભારત વિશ્વમાં પ્રથમ નંબરે છે… ભારત સૌથી વધુ વૈજ્ઞાનિકો અને ઇજનેરો ધરાવતો દેશ છે… ભારત દુનિયામાં સૌથી વધુ અંગ્રેજી બોલતા લોકો ધરાવે છે… વિશ્વમાં પોતાની જાતે જ સુપર કમ્પ્યુટર બનાવવામાં યુ.એસ. ને જાપાન પછી ભારત જ એકમાત્ર દેશ છે… યુ.એસ. પછી ભારત પાસે સૌથી વધુ ‘સોફ્ટવેર ડેવલોપર્સ’ છે… ભારત એ છ દેશોમાંનો એક દેશ છે, જે સેટેલાઇટ બનાવે છે અને અવકાશમાં તરતા મૂકે છે… દવાઓના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા નંબરે છે… યુ.એસ. બાદ ભારત પાસે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું ધોરી માર્ગોનું નેટવર્ક છે.

ભારત દેશ વિશે આવી મસમટી વાતો સાંભળ્યા પછી કદાચ કોઈને એમ થાય કે ભારતની આધુનિક તસવીરો તો ગરીબી અને અવિકસિતતા જ દર્શાવી રહી છે… તો તમારી માઇન્ડબુકના પહેલાં પાના ઉપર લખી લ્યો કે, જ્યાં સુધી અંગ્રેજોનું આગમન નહોતું થયું ત્યાં સુધી ભારત પૃથ્વી પરનો સૌથી તવંગર દેશ હતો… ક્રિસ્ટોફર કોલંબસ ભારતના વૈભવથી જ આકર્ષાયો હતો… મેક્સ મૂલરના મુખેથી તો અદ્ભુત ઉદ્ગારો સરી પડ્યા કે, ‘વિશ્વભરમાં જો એવી કોઈ ભૂમિની તલાશ કરવાની હોય કે જે દરેક પ્રકારની સમૃદ્ધિ, શક્તિ અને કુદરતી સૌંદર્યથી ભરી ભરી હોય તો હું ભારત તરફ આંગળી ચીંધીશ. જો મને એવું પૂછવામાં આવે કે કયા આકાશની નીચે મનુષ્યનું હૃદય સોળે કળાએ ખીલ્યું છે અને જીવનના ગહનમાં ગહન પ્રશ્નોના એને ઉત્તરો ક્યાં સાંપડ્યા છે તો હું ભારત તરફ આંગળી ચીંધીશ. જો મારે ખુદને જ પ્રશ્ન પૂછવાનો હોય કે મનુષ્યના આંતરમનને વધુ સંકુલ બનાવવા માટે, વધુ શાશ્વત બનાવવા માટે, વધુ માનવીય બનાવવા માટે વિશ્વના કયા સાહિત્યમાંથી પ્રેરણા લેવી જોઈએ તો તેના ઉત્તર માટે પણ હું ભારત તરફ આંગળી ચીંધીશ.’ આ છે ભારતની ભવ્યતા… આ છે ભારતની અતુલ્યતા… આ છે ભારતનું અપ્રતિમ વ્યક્તિત્વ…” એમ કહીને ઋતુધ્વજે ભારત માહાત્મ્યની કથા પૂર્ણ કરી.

ત્યારે શ્રીધરે આશ્ચર્ય અને અહોભાવ સહ પૂછ્યું, “ ઓહ..ભારત દેશ આવો ભવ્ય… પણ આ વિશાળ, વિરાટ, વૈભવી ભારતના પાયામાં શું રહેલું છે..?? ભારત દેશ આવો ભવ્ય છે… દિવ્ય છે… એનું કારણ શું..??

“કારણ એની ગુરુ-શિષ્ય પરંપરા… ગુરુકુલ પરંપરા… વિરાટ ભારતના પાયામાં રહેલી છે ગુરુકુલ પરંપરા… આ ગુરુકુલ પરંપરા દ્વારા ભારતના પ્રાચીન ઋષિમુનિઓએ આદર્શ માનવનું નિર્માણ કરીને, ચારિત્ર્યવાન સમાજનું સર્જન કરીને ભારતને ભવ્યતાથી ભરી દીધું… દિવ્યતાથી દૈદીપ્યમાન બનાવ્યું… વિરાટ ભારતના વૈભવી વ્યક્તિત્વમાં ગુરુકુલનું યોગદાન અજોડ છે…” ઋતુધ્વજે કહ્યું.

આ સાંભળીને શ્રીધર બોલ્યો, “આ ગુરુકુલ પરંપરા એટલે શું… અને ગુરુકુલ વળી છે શું …?? હે દેવાત્મા ઋતુધ્વજ… મારે એના વિશે પણ જાણવું છે…”

ત્યારે ઋતુધ્વજે કહ્યું, “ભારત જેટલી જ ભવ્ય છે આ ગુરુકુલ પરંપરા… ગુરુકુલ વિશે તારે જાણવું જ હોય તો શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન – SGRSની વેબસાઇટ ઉપર થોડા સમય પહેલાં જ “ગુરુકુલમ્” નામનું પુસ્તક મૂકવામાં આવ્યું છે… એમાંથી તને ગુરુકુલ પરંપરા વિશે ઘણું જાણવા મળશે…”

ભવ્ય ભારત અને દિવ્ય ગુરુકુલ પરંપરાના ચરણોમાં વંદન સહ શ્રીધર અને ઋતુધ્વજનો વીડિયોકૉલ પૂરો થયો… અને શ્રીધરે તુરંત જ શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન – SGRSની વેબસાઇટ પર જઈને “ગુરુકુલમ્” પુસ્તક વાંચવાનું શરૂ કર્યું… સ્વર્ગમાંથી ડાયરેક્ટ ઓનલાઇન હો ભાઈ… તો ચાલો, આપણે પણ એ વાંચનયાત્રામાં જોડાઈ જઈએ…