Blog by : Nirav Panchal - દેશભક્તિની ભાવના દરેકના હૃદયમાં જાગશે ત્યારે દેશ વિશ્વગુરુ બનશે!

ભારત દેશ 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે.દેશની આન બાન અને શાનના પ્રતીક રાષ્ટ્ર ધ્વજને સૌ કોઈ સલામી આપીને પર્વની ઉજવણીમાં સહભાગી બનશે.

New Update
Untitled
  • જ્યાં પક્ષપાત,જાતિવાદ,ભાષાવાદની જાળ ફેલાયેલી છે,તે દેશ ક્યારેય પ્રગતિ કરી શકે નહીં...                       

ભારત દેશ 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે.દેશની આન બાન અને શાનના પ્રતીક રાષ્ટ્ર ધ્વજને સૌ કોઈ સલામી આપીને પર્વની ઉજવણીમાં સહભાગી બનશે.બીજી તરફ અમેરિકાના ટેરિફ બોમ્બે સ્થાનિક ઉદ્યોગો અને ઉત્પાદકોને ચિંતાગ્રસ્ત પરિસ્થિતમાં મૂકી દીધા છે.દેશ આઝાદ થયાના આઠ દાયકા થઈ ગયા છતાં પણ હજી ભારત કેમ વિદેશી દેશોની સરખામણીમાં કદમથી કદમ મિલાવી નથી શકતુંહા સર્જીકલ સ્ટ્રાઈક,ઓપરેશન સિંદૂર જેવા સૈન્યના શૌર્યએ ભારતની બહાદુરીના વિશ્વને દર્શન કરાવ્યા છે. 

આપણા નેતા વિદેશની વિઝીટ કરીને સ્વદેશ પરત ફર્યા બાદ શહેર નગરને સાંઘાઈ,સિંગાપોર જેવા બનાવવાની વાતો કરે છે,અને ચૂંટણી પ્રચારમાં પણ બોલવામાં કંઈક જ બાકી રાખતા નથી.જોકે સ્માર્ટ સિટીની જાહેરાતોમાં પણ માત્ર મિથ્યા જ વાતો હોય તેમ લાગી રહ્યું છે.કારણ કે રસ્તા કે ફૂટપાથ બનાવી દેવાથી સ્માર્ટ સિટી નથી બની જતું. મહા મુસીબત અને વિરોધ વંટોળ બાદ માંડ માંડ સારા બનેલા રસ્તા પ્રથમ વરસાદમાં જ તૂટી જાય છે.અને રસ્તામાં ખાડા પડ્યા છે કે ખાડામાં રસ્તો છે એ કહેવું પણ મુશ્કેલરૂપ છે.મહિનાઓથી તૂટેલા રસ્તા મુખ્યમંત્રીના આગમન અગાઉ રાતો રાત બની જાય તેનું જીવંત ઉદાહરણ પણ છે.

આઝાદ ભારતમાં પ્રજાએ આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારવા પડી રહ્યા છે.સરકારી પ્રોજેક્ટોમાં આચરવામાં આવતા કૌભાંડોએ પણ વિકસિત ભારતની છબીને કલંક લગાડ્યું છે.અને આ કૌભાંડને અંજામ આપનાર પણ પોતે સત્તાધારી પક્ષના જ છે,અને તેમના જ સરકારી બાબુઓ છે. લોકો સરકારી નોકરીને પસંદ કરી રહ્યા છે પરંતુ સરકારી સવલતોને  નહીં,સિવિલ હોસ્પિટલ,સરકારી શાળા કોલેજો સહિતની સેવાઓમાં ઉણપને કારણે ખુદ સરકારી કમર્ચારીઓ પણ તેની સુવિધા લેવા માટે ખચકાતા હશે તેમ કહેવામાં પણ અતિ સંયુક્તિ નથી. હા બીજી તરફ લખપતિ કે સુખી સંપન્ન હોવા છતાં રેશનકાર્ડનો લાભ લેતા તત્વોને તો બોનસ મળ્યા જેવું છે.

હર ઘર તિરંગા,ઘર ઘર તિરંગાના સૂત્ર સાથે દેશભક્તિનો રંગ છલકાયો છે.સ્વતંત્રતા પર્વ પ્રસંગની ઉજવણીનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. આર્થિક,વૈજ્ઞાનિક,શૈક્ષણિક સિદ્ધિઓ પૂરતી મેળવ્યા વિના જ આપણે વિશ્વગુરુ હોવાનું ફલિત કરાવી રહ્યા છે.સ્વદેશી વસ્તુઓ અપનાવવાની વાતો જોર શોરથી થાય છે પરંતુ એક પણ એવા ખમીરવંતા નેતા નથી કે જે પોતાની છાતી ઠોકીને કહી શકે કે વિદેશી વસ્તુઓનો ત્યાગ કર્યો હોય...કડવી લાગે તો પણ હૈયાબળતરા માંથી ઉપજેલી આ વાત છે.પરિસ્થિતિ સારો અવસર આપે છે અને એ દિશામાં આગળ પણ વધી રહયા છે.પરંતુ પક્ષપાત,જાતિવાદ,ભાષાવાદ અને ધર્મના નામે થતા ધતિંગ શું મહાસત્તા તરફ દોરી જશે ખરા!

જ્યાં પૈસા ખર્ચીને શુદ્ધ ભોજન મળવું પણ મુશ્કેલ છે.અને બોર્ડ લગાવવા આવ્યા હોય છે કે શુદ્ધ તેલ કે શુદ્ધ ઘી માંથી બનેલી વાનગી પણ ગુણવત્તાયુક્ત હશે કે કેમ એ પ્રશ્ન પણ ઉભો થાય છે.દેશહિત કે લોકહિત નહીં પરંતુ પોતાના સ્વ નફાનો જ લાભ લોભિયા ખાટી રહ્યા છે.પ્રથમ તો 15મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીએ દેખાતો દેશપ્રેમ જ્યારે કાયમ માટે સ્થાયી થઇ જાય તો ખરા અર્થમાં દેશભક્તિનો રંગ ઘેરો બન્યો એમ કહેવાય. દેશ જ્યારે 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે એવો પણ સંકલ્પ લેવો જરૂરી છે કે દેશના નાગરિકોને સુવિધાસભર વ્યવસ્થા મળે,એવી પરબ પણ હોય કે જ્યાં નિઃસંકોચ પાણી પણ પી શકાય.ત્યારે ખરા અર્થમાં એમ કહેવાશે કે આપણે મહાસત્તાની રેસમાં આગળ વધી રહ્યા છે.અંતમાં સૌને સ્વતંત્રતા પર્વની ખુબ ખુબ શુભકામનાઓ...જય હિન્દ જય ભારત...

Latest Stories