/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-94.jpg)
ભરૂચના કાંઠે નર્મદા નદી વર્ષો બાદ બે કાંઠે વહેતી થઇ છે તો બીજી તરફ પુરના પાણી કાંઠા વિસ્તારના લોકો માટે આફત બનીને આવ્યાં છે. અંકલેશ્વર નજીક આવેલા જુના બોરભાઠા ગામમાં પાણી પ્રવેશી જતાં લોકો હવે નર્મદા મૈયાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહયાં છે.
નર્મદા ડેમ ખાતે 30 દરવાજા લાગી ગયા બાદ ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદી સુકીભઠ બની હતી. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં વર્ષો બાદ નર્મદા નદી ફરીથી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. નર્મદા નદીની સપાટી 31 ફૂટ સુધી પહોંચી જતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અંકલેશ્વર તાલુકાના જુના બોરભાથા ગામમાં પુરના પાણી આવી જતાં લોકોમાં દોડધામ મચી છે. નદીના પાણીને ગામમાં આવતા રોકવા માટે બનાવાયેલી પ્રોટેકશન વોલના પથ્થરો ખસી જતાં આ ઘટના બની છે. વહીવટીતંત્રએ સલામતીના કારણોસર ગામલોકોને સલામત સ્થળે ખસેડી લીધાં છે પણ તેઓ હવે પાણીથી ઘરવખરીને થતું નુકશાન અટકાવવા દોડધામ કરી રહયાં છે. નર્મદા નદીના ધસમસતા પ્રવાહના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. ગામલોકો હવે નર્મદા મૈયાને ખમૈયા કરવા માટે પ્રાર્થના પણ કરી રહયાં છે.