મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના કારણે બુધવારે દેશભરના શેરબજારો બંધ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોમાં મતદાનની સુવિધા માટે એક દિવસની ટ્રેડિંગ રજા પાળી છે.
BSE ટ્રેડિંગ હોલિડે લિસ્ટ મુજબ, બજાર તમામ ઇક્વિટી સેગમેન્ટ્સ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને SLB સેગમેન્ટ માટે બંધ છે. મહારાષ્ટ્ર સરકારે ચૂંટણીના દિવસે જાહેર રજા જાહેર કરી છે. 21 નવેમ્બર, ગુરુવારથી સામાન્ય કામકાજ ફરી શરૂ થશે.
સપ્તાહની શરૂઆતમાં સતત વેચવાલીના દબાણ બાદ મંગળવારે સ્થાનિક શેરબજારોમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો. બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઓવરસોલ્ડ સ્થિતિને કારણે ભારતીય સૂચકાંકો બાઉન્સ બેક થયા છે. જો કે, વિદેશી રોકાણકારો હજુ પણ નેટ સેલર છે. મંગળવારે, વિદેશી રોકાણકારો (FPIs) એ રૂ. 3,411.73 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 2,783.89 કરોડના ઇક્વિટી શેરો ખરીદ્યા હતા.