/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-12.jpg)
કોઇ પ્રેમને પ્રાપ્ત કરે છે …તો કોઇ પ્રેમમાં ત્યાગ કરે છે. કોઇ પ્રેમને ખાતર પ્રેમનો ત્યાગ કરે છે…તો વળી કોઇ ગમે તે સંજોગોમાં પણ પ્રેમમાં શુધ્ધ આનંદ પામે છે. તો કોઇક પ્રેમમાં હીંસક બની પ્રિય પાત્રને રહેંસી પણ નાંખે છે. આવો જ એક કિસ્સો કવાંટ તાલુકામાં પ્રકાશમાં આવ્યો છે. પ્રેમને ખાતર ભાગીને લગ્ન કરનારા પ્રેમી યુગલ વચ્ચે ખટરાગ થતાં પ્રેમીએ પ્રેમિકાને બેરહેમીપુર્વક મોતને ઘાટ ઉતારી દીધી છે.
વાત છે કવાંટ તાલુકાના નાનકડા ચાવરીયા ગામની. ગામમાં વાલજીભાઈ વણકર તેમની પુત્રી કાજલ સાથે રહેતાં હતાં. વાલજીભાઈની પત્ની 25 વર્ષ પહેલા દીકરી કાજલને જન્મ આપતા જ મોતને ભેટી હતી. દિકરીના જતનની જવાબદારી વાલજી ભાઇના શિરે આવી ગઇ હતી. તેમણે લાડકોડથી કાજલને ઉછેરી હતી. યુવાનીમાં ડગ માંડતાની સાથે કાજલની નજર ગામના જ અલ્પેશ તડવી સાથે મળી જતાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. વાલજીભાઇને કાજલ અને અલ્પેશ વચ્ચેનો પ્રેમ સંબંધ મંજૂર ન હતો. પિતાની મરજીની વિરૂધ્ધ જઇને કાજલ અને અલ્પેશ બે વર્ષ પહેલા ભાગી ગયાં હતાં અને સાથે રહેવા લાગ્યાં હતાં.
થોડા સમયમાં બંને વચ્ચે ઝગડાઓ શરૂ થઇ જતાં કાજલ તેના પિતાના ઘરે રહેવા આવી ગઇ હતી. કાજલે વધુ અભ્યાસ માટે કોલેજ શરૂ કરી હતી. કાજલથી અલગ થઇ ગયા બાદ અલ્પેશ બેબાકળો બની ગયો હતો અને કાજલને પોતાની સાથે સંબંધ રાખવા મજબુર કરી રહયો હતો. જેથી કાજલ ફરી તેની સાથે રહેવા ચાલી ગઇ હતી. ત્યારબાાદ કાજલ અને અલ્પેશના લગ્નની વાત આવી હતી પણ સમાજના રીતીરીવાજોના કારણે અલ્પેશ લગ્ન માટે માનવા તૈયાર ન હતો. વાત વણસી જતાં કાજલે અલ્પેશ સાથે ફરી નહિ જવાનો નિર્ણય લઇ પિતા સાથે રહેવા લાગી હતી. .વિચિત્ર માનસિકતા ધરાવતો અલ્પેશ તેના ઘરે આવતો મનફાવે તેવું વર્તન કરતો . જેથી આસપાસ ના લોકો પણ તેની હરકતો થી થાકી ગયા હતાં.
કાજલ પોતાની સાથે આવવા તૈયાર થતી ન હોવાથી અલ્પેશના માથે હેવાનિયત સવાર થઇ ગઇ હતી. પોતાના ઘરમાં એકલી રહેલી કાજલને પાળિયાના ઘા મારી અલ્પેશે તેની કરપીણ હત્યા કરી નાંખી હતી. કાજલના પિતા અને આસપાસથી લોકો દોડી આવતાં અલ્પેશ ફરાર થઇ ગયો હતો. પોલીસે ફરાર થઇ ગયેલા હત્યાર પ્રેમીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.