આમોદ નગરમાં રોડ ઉપર સર્જાયું ગંદકીનું સામ્રાજ્ય

ગંદકીના ઢગલાએ પાલિકાના દાવાઓની પોલ ખોલી

પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા

કોંગ્રેસ શાસિત પાલિકા પર ભાજપના શાબ્દિક પ્રહાર

સ્વચ્છતા જાળવવા કાયમી પગલાં લેવાય તેવી માંગ

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્થાનિકોમાં નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો છે.

ભરૂચ જિલ્લાના આમોદના આછોદ રોડ ચાર રસ્તા નજીક ગંદકીના ઢગલા જોવા મળતા પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરની ઓળખ બની શકે તેવા સ્થળે જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

આ મુદ્દે ભાજપ યુવા મોરચાના શહેર મહામંત્રી મુકેશ લક્ષ્મણ રબારીએ કોંગ્રેસ શાસિત નગરપાલિકા પર આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યુ હતું કે, જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે ગંદકીના મુદ્દે વિરોધ કરનારા કોંગ્રેસના નેતાઓ આજે સત્તામાં આવીને મૌન કેમ છે..? 

તાજેતરમાં જ DGVCL દ્વારા CSR હેઠળ આમોદ નગરપાલિકાને શહેરની સફાઈ માટે મિની JCB અને ટ્રેક્ટર આપવામાં આવ્યા છે, ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે, આ મોંઘા સાધનો માત્ર લોકાર્પણ પૂરતા નહીં રહે, પરંતુ શહેરની ગંદકી દૂર કરવા માટે તાત્કાલિક ઉપયોગમાં લેવાય અને સમગ્ર આમોદમાં કાયમી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ આમોદમાં જાહેર સ્થળે જ ગંદકીના ઢગલા તંત્રના તમામ દાવાઓની પોલ ખોલી રહ્યા છે.