બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર તેજ થઈને ચક્રવાતી વાવાઝોડું ‘જવાદ’માં પરિવર્તિત થઈ શકે છે. એ શનિવારે સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે વિશાખાપટ્ટનમથી લગભગ 770 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં મોડી રાત્રે બંગાળની ખાડી પરનું દબાણ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. શુક્રવારે સવારે પશ્ચિમ-મધ્યને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં આ દબાણ ભારે ડિપ્રેશનમાં પરિણમ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 12 કલાકમાં એ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને તે શનિવારે સવારે ઉત્તર આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. જણાવીએ કે આ વખતે ચક્રવાત જવાદનું નામ સાઉદી અરબે આપ્યું છે.
જવાદનો અરબીમાં અર્થ ઉદાર કે દયાળુ થાય છે.ઓડિશા, આંધ્રપ્રદેશ અને ગંગાના પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવે છે અને ખાસ કરીને ખેતીના પાકને નુકસાન અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. વાવાઝોડા જવાદને પગલે વડાપ્રધાન મોદીએ પણ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત એજન્સીઓની તૈયારી બાબતની સમીક્ષા કરી હતી. ઓડિશા સરકારે ચક્રવાત જવાદથી થતી પ્રતિકૂળ અસરોને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. વિશેષ રાહત કમિશનર પ્રદીપ કુમાર જેનાએ કહ્યું હતું કે સરકાર દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) રાજ્ય ફાયર સર્વિસ અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ (ODRAF) સહિત 266 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેમાંથી NDRFની 29 ટીમને તહેનાત કરી દેવામાં આવી છે અને 33 ટીમને સ્ટેન્ડબાય રખાઇ છે.
