/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-134.jpg)
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામે આવેલી લીલવાદેવા પ્રાથમિક શાળામાં શનિવારના રોજ સ્લેબનો કેટલોક ભાગ તુટી પડતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં દોડધામ મચી હતી. છતના ટુકડાઓ વાગવાના કારણે ચાર જેટલા વિદ્યાર્થીઓને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
દાહોદ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહયો છે. નદી નાળાઓ તેમજ ડેમો ઓવરફલો થઇ રહયાં છે તેવા સમયે દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામે આવેલી લીલવા દેવા પ્રાથમિક શાળા ખાતે સ્લેબનો કેટલોક ભાગ તુટી પડયો હતો.શાળામાં ભુલકાઓ અભ્યાસ કરી રહયા હતા તેવા સમયે અચાનક જર્જરીત સરકારી શાળાના છતના ભાગેથી પોપડા ખરવા લાગ્યાં હતાં. જેથી ઓરડામાં અભ્યાસ કરી રહેલા બાળકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતાં તેમજ શાળાના ચાર બાળકો ઉપર પોપડા પડતા તેમને તાત્કાલીક 108માં સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં. શિક્ષણના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવા છતા બાળકોને જર્જરીત શાળાઓમાં અભ્યાસ કરવો પડી રહયો છે. શાળાની જર્જરીત હાલતના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના માથે સદાય ખતરો મંડરાતો રહે છે.