-
દાહોદ શહેર નજીક આવેલા રળિયાતી ગામની ઘટના
-
બાંધકામ સાઈટ પર ચોકીદારની નિર્મમ હત્યાની ઘટના
-
કોઈ કારણોસર હુમલાખોરો દ્વારા કરાયો હતો હુમલો
-
50 વર્ષીય આધેડની હત્યા થતાં પોલીસે તપાસ આરંભી
-
ચોકીદારનો મૃતદેહ મળી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો
દાહોદ નજીક રળિયાતી ગામની સીમમાં ચાલી રહેલી બાંધકામ સાઈટ પર ચોકીદાર તરીકે ફરજ બજાવતા આધેડની અજાણ્યા શખ્સોએ પથ્થરોના ઘા મારી કરપીણ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદ નજીક રળિયાતી ગામમાં ગત મોડી રાત્રે એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે, જ્યાં રહેણાંક પ્રોજેક્ટની બાંધકામ સાઈટ પર છેલ્લા એક મહિનાથી 50 વર્ષીય આધેડ ચોકીદાર તરીકે નોકરી કરી સાઈટની રખેવાળી કરતા હતા. ગત રાત્રે તેઓ પોતાની ફરજ પર હતા, તે દરમિયાન કોઈ કારણોસર હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ આધેડના માથા તેમજ શરીરના અન્ય ભાગો પર પથ્થરના જીવલેણ ઘા ઝીંકી તેમને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધા હતા. જોકે, સવારના સમયે જ્યારે અન્ય શ્રમિકો સાઈટ પર પહોંચ્યા. ત્યારે ચોકીદારનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
