ઐતિહાસિક પરંપરા ધરાવતા “ડાંગ દરબાર”નો મેળો સાંપ્રત પરિસ્થિતિ ધ્યાને લેતા રદ કરાયો છે, ત્યારે ડાંગના માજી રાજ્વીશ્રીઓને પોલીટીકલ પેન્શન એનાયત કરવાની સદીઓ જૂની રીત-રસમને ખુબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી છે.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર એન. કે. ડામોરની ચેમ્બરમા ડાંગના પાંચ રાજ્વીશ્રીઓને પોલીટીકલ પેન્શન એનાયત કરવા સાથે તેમનુ શાલ ઓઢાડીને સન્માન કરાયુ હતુ. સાથે પાનબીડુ અર્પવાની પ્રથા નિભાવી આ વર્ષે પહેલી વખત રાજ્વીશ્રીઓને સ્મૃતિભેટમા સોનાના સિક્કાનુ પણ વિતરણ કરાયુ હતુ.

ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષ મંગળ ગાવિત તથા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડીરેક્ટર બાબુરાવ ચૌર્યાની ઉપસ્થિતિમા ડાંગના ગાઢવી રાજના રાજવી કિરણસિંહ યશવંતરાવ પવાર, દહેરના રાજવી તપનરાવ આનંદરાવ પવાર, લિંગાના રાજ્વી છત્રસિંહ ભંવરસિંહ સૂર્યવંશી, વાસુર્નાના રાજ્વી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી, અને પિંપરીના રાજ્વી ત્રિકમરાવ સાહેબરાવ પવારનુ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે અદકેરું સન્માન કરાયુ હતુ.

“કોવિદ-19″ની ગાઈડલાઈનને ધ્યાને લેતા આ સાદગીપૂર્ણ કાર્યક્રમમા જિલ્લા કલેકટર એન. કે. ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. વઢવાણિયા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર તેરસીંગ ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામીત સહીત અધિકારી-પદાધિકારીઓ, પાંચ રાજ્વીશ્રીઓ અને તેમના અંગત સ્ટાફ સહીત રાજવી પરિવારના સભ્યોની હાજરીમા યોજાયેલા પોલીટીકલ પેન્શન એનાયત કરવાના આ કાર્યક્રમ દરમિયાન રાજવી પરિવાર વતી વાસુરણાના રાજવી ધનરાજસિંહે પ્રજાકીય સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપવુ એ જ રાજધર્મ છે તેમ જણાવી, “કોરોના”ની સ્થિતિ વચ્ચે જિલ્લા પ્રશાસને આ ઐતિહાસિક પ્રથા નિભાવી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

“ડાંગ દરબાર”નો ભાતીગળ લોકમેળો અને મેળાના પ્રારંભે ડાંગના રાજવી પરિવારોને વાર્ષિક “સાલિયાણુ” અર્પવાની ઐતિહાસિક પરંપરા ઉપર “કોરોના” સંક્રમણના ઓથાર હેઠળ ચાર દિવસીય સમગ્ર કાર્યક્રમને રદ કરીને સ્થાનિક હાટ/બજારમા પણ જયારે ડાંગ બહારના વેપારીઓના આવાગમન ઉપર પ્રતિબંધ છે, છતાં રાજવી પરિવારોનો માનમોભો જળવાઈ રહે અને તેમને ગરિમાપૂર્ણ રીતે પોલીટીકલ પેન્શન એનાયત કરી શકાય તે માટે “કોવિદ-૧૯”ની ગાઈડ લાઇન અનુસાર ખુબ જ સાદગી સાથે “સાલીયાણા અર્પણ” કરવાનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો તેમ ડાંગ કલેકટર  એન. કે. ડામોરે જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ડાંગના માજી રાજવીઓ, નાયકો, અને ભાઉબંધોને સને ૨૦૨૦/૨૧ દરમિયાન વાર્ષિક કુલ રૂ.૨૧ લાખ, ૮૦ હજાર, ૯૨૩નુ સાલિયાણુ અર્પણ કરાયુ છે. જેમા ગાઢવી રાજ સહીત દહેર રાજ, આમાલા (લિંગા) રાજ, પિંપરી રાજ, વાસુરણા રાજ, કિરલી રાજ, શિવબારા રાજ, ચિંચલી રાજ, અવચાર રાજ, પોળ્સવિહિર રાજ, પીપ્લાઈદેવી રાજ, વાડયાવન રાજ, બિલબારી રાજ, ઝરી-ગારખડી રાજનો સમાવેશ થાય છે.

ચાલુ વર્ષે પણ “કોરોના”ના કહેરનો ભોગ બનેલા ઐતિહાસિક “ડાંગ દરબાર”નો ભાતીગળ લોકમેળો અને ચાર દિવસીય ચાલતા રંગારંગ કાર્યક્રમ ઉપર કોરોનાનો ડોળો ફરી વળ્યો છે. “ડાંગ દરબાર”નો ઇતિહાસ પર નજર કરવામાં આવે તો, ઈ.સ.૧૮૪૨ સુધી ડાંગમા ભીલ રાજાઓ અને નાયકો રાજ કરતા હતા. તે સમયે એટલે કે સને ૧૮૪૨મા ડાંગના જંગલના પટા બ્રિટીશરોએ મેળવ્યા. આ પટા પેટે જંગલના અધિકારપત્રો પણ ભીલ રાજા, નાયકોએ બ્રિટિશરોને સુપ્રત કર્યા. જેના બદલામા ભીલ રાજાઓને કેટલાક આબકારી હક્કો, હળપટ્ટીના રૂપમા જમીન મહેસુલ, પશુધન માટે ઘાસચારની તથા બીજી પેશ્વાઈ ભથ્થાની વાર્ષિક રકમ બ્રિટિશરો તરફથી રાજાઓને મળતી. આ અછળી રકમ, દર વર્ષે રાજવીઓ, નાયકો, અને તેમના ભાઉબંધોને ડાંગી પ્રજાજનોનો “દરબાર’ ભરીને બ્રિટિશ હુકુમત તરફથી આપવામા આવતી.

આ “દરબાર” યોજવા પાછળનો બ્રિટિશરોનો મુખ્ય આશય ડાંગી રાજાઓ, નાયકો, ભાઉબંધો, અને તેમની પ્રજા એક જ છત્ર નીચે એકત્ર થાય, અને બ્રિટિશ સત્તા માટે તેમના મનમા સદ્ભાવના અને વ્યવહારભાવના કેળવાય તે હતો. એક સદી પહેલા યોજાતા “દરબાર”ના પ્રસંગો ખુબ જ વિશિષ્ઠ રીતે ઉજવાતા. રંગબેરંગી પોશાકોમા સજ્જ રાજવી પરિવાર, ભાઉબંધો, નાયકો બે થી ત્રણ દિવસો સુધી અહી પડાવ રાખીને રહેતા, અને મેળામા મ્હાલતા. બ્રિટિશ પોલીટીકલ એજન્ટના હાથે સાલિયાણુ મેળવવુ એ ઘણુ માનભર્યું સમજતા.

વર્ષ ૧૯૫૪ થી મુંબઈ સરકારે રાજાઓ, નાયકો, અને ભાઉબંધોને પેશગી આપવાની પ્રથામા ફેરફાર કરી, તેમના મૂળ હકોના બદલામા તેમને વંશપરંપરાગત “પોલીટીકલ પેન્શન” (રાજકીય પેન્શન) આપવાનુ શરુ કર્યું. જે પરમ્પરા આજદિન સુધી ચાલી રહી છે. સને ૧૯૫૪ થી આજદિન સુધી આહવા ખાતે જ “ડાંગ દરબાર” યોજાતો આવ્યો છે.

ગત વર્ષ ૨૦૨૦મા “કોરોના”નો પ્રવેશ દેશમા થતા ડાંગ દરબારના ઉદ્ઘાટન સમારોહમા પ્રતિવર્ષ પધારતા રાજ્યપાલશ્રી આવી શક્યા ન હતા. માત્ર પ્રભારી મંત્રીશ્રીના હસ્તે કોરોનાની હદેશત વચ્ચે સમારોહ આયોજિત કરાયો હતો.

ચાલુ વર્ષે ફરી એક વાર “કોરોના”નો ડોળો “ડાંગ દરબાર”ને ડરાવી ગયો હતો. ભાતીગળ લોકમેળો રદ થવા સાથે પોલીટીકલ પેન્શન પણ કલેક્ટરની ચેમ્બરમા ખુબ જ સાદગીપૂર્ણ રીતે અર્પણ કરાયુ હતુ.

ડાંગ દરબાર શરુ થાય તે પહેલા એકાદ સપ્તાહ અગાઉથી જ બજાર/હાટ, મેળો ભરાવાનુ શરુ થાય છે. ડાંગના પ્રજાજનો અહીંથી રોજબરોજની ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે. રંગ પંચમી પછી દરબારની ભીડ, અને હોળીનો ઉત્સાહ ઓસરતો જાય છે. પરંતુ આ તહેવારના મીઠાસભરી સ્મૃતિઓ આખુ વર્ષ લોકમાનસ ઉપર છવાયેલી રહે છે.