રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ દેવભૂમિ દ્વારકા ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ ગુજરાતના પ્રવાસે પધાર્યા છે, ત્યારે રાષ્ટ્રપતિએ દેવભૂમિ દ્વારકા ખાતે ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક ભગવાન દ્વારકાધીશના દર્શન, પાદુકાપૂજન, પૂજન-અર્ચન કરી ભારતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે દ્વારકાધીશ મંદિર ખાતે પ્રવાસન મંત્રી મૂળુ બેરા, જિલ્લા કેલકટર રાજેશ તન્ના, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી અમોલ આવતે, વહીવટદાર તથા નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણએ રાષ્ટ્રપતિને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી, ગોલ્ડ પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ તથા પ્રસાદ આપી સ્વાગત કર્યું હતું. આ અવસરે રાષ્ટ્રપતિ સાથે તેમના દીકરી ઈતિશ્રી મુર્મૂ અને મહાનુભાવો પણ જોડાયાં હતા.
