ભરૂચ : દેવપોઢી અગિયારસનો "અનેરો" મહિમા, ભાડભૂત ખાતે માઁ નર્મદાનું પૂજન કરી માછીમારીની શરૂઆત...

માછીમારો માટે મહત્વનો દિવસ દેવપોઢી અગિયારસ, ભાડભૂત ખાતે માઁ નર્મદાને વિશેષ દુગ્ધાભિષેક કરાયું

New Update
ભરૂચ : દેવપોઢી અગિયારસનો "અનેરો" મહિમા, ભાડભૂત ખાતે માઁ નર્મદાનું પૂજન કરી માછીમારીની શરૂઆત...

આજરોજ દેવપોઢી અગિયારસના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતેથી માછીમાર સમાજ દ્વારા માઁ નર્મદાને દુગ્ધાભિષેક, ચુંદડી અર્પણ સહિત પૂજન-અર્ચન કરી માછીમારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મુકવા આવતી હિલસા માછલી જગ વિખ્યાત છે. જેના થકી માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાની મોસમમાં જ કરી લે છે. આ હિલસા માછલી વિદેશી હૂંડિયામણ કમાઈ આપતી હોય, ત્યારે સમગ્ર આધાર ચોમાસા દરમ્યાન આવતા જુવાળ ઉપર રહે છે. જેથી સિઝનની પ્રથમ માછીમારી માટે માછીમાર સમાજમાં દેવપોઢી અગિયારસનો અનેરો મહિમા રહ્યો છે.

દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માઁ નર્મદા અને દરિયા દેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. માઁ નર્મદાને ચુંદડી અર્પણ કરી ભજન-કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો હતો. જેથી ભાડભૂત ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘરેથી રેવા મૈયાને દુગ્ધાભિષેક કરવા માટે દૂધ આપવામાં આવ્યું હતું. માઁ નર્મદાના દુગ્ધાભિષેક ઉત્સવની ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. સાથે જ સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી જ માછીમારોએ માછીમારીની શરૂઆત કરી છે.