યાત્રાધામ સાળંગપુરમાં 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બનવા જઈ રહ્યું છે. જેમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવના સાનિધ્યમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય આકાર લઈ રહ્યું છે. સાત વીઘા જમીનમાં બનતા આ ભોજનાલયમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે. આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે. સાથે જ આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગૅસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે. હાલ અહીં 160થી વધુ કારીગરો દિવસના 20-20 કલાક સુધી કામ કરી રહ્યા છે. આગામી દિવાળી પર્વ પહેલાં આ ભોજનાલય શરૂ કરવાની યોજના છે. ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેરફૂટનું થશે અને ભોજનાલય કુલ 250 કોલમ પર ઊભું હશે. ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાશે. આ ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ ના થાય એટલે 75 ફૂટ પહોળા પગથિયાં બનાવવામાં આવશે. પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા હશે. ખાસ પ્રકારની કેવિટી વોલ ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું રાખશે, એટલે કે બહારથી દીવાલો ગરમ થઈ હશે તોપણ અંદરનું તાપમાન નીચું રહેશે.
બોટાદ: સાળંગપુરમાં બનશે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય; ગેસ, અગ્નિ, વીજળી વગર બનશે રસોઈ
સાળંગપુરમાં 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બનવા જઈ રહ્યું છે. જેમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઇ શકશે..
New Update
Latest Stories