સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવના દર્શને જનસેલાબ ઉમટ્યો
નૂતન વર્ષના પ્રારંભે દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો
સિંહાસનને ફૂલોનો સુંદર શણગારથી શણગારાયું
દાદાને 5 હજાર કિલોથી વધુની વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો
દાદાના દર્શનનો લ્હાવો લઈને ભક્તોએ અનુભવી ધન્યતા
બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે નૂતન વર્ષના પ્રારંભ અને શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસનને ફુલનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો.જેનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.
બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી દિવાળીના પાવન પર્વ નિમિત્તે સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી રહ્યા છે.
આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને શનિવાર અને નૂતન વર્ષના દિવસે શુદ્ધ સોનાના 8 કિલો સોના માંથી બનેલા વાઘા પહેરાવ્યા છે.આ સાથે જ દાદાના સિંહસનને રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે.આજે સવારે મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.મહત્વનું છે કે,આજે દાદાને 5 હજાર કિલોથી વધારે વિવિધ વાનગીનો છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો હતો.જેની આરતી પ.પૂ.શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસ સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. શ્રી દરબારગઢ માં પણ નૂતનવર્ષે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.