ગીર સોમનાથ જિલ્લા સ્થિત સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી શિવભક્તોનો માનવ મહાસાગર છલકાય રહ્યો છે. તો બીજી તરફ, સોમનાથ મહાદેવ મંદિરે દિવસભર પૂજન-અર્ચન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
દેશના પ્રથમ જ્યોતિર્લીંગ એવા ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના પાવન પર્વે વહેલી સવારથી ભક્તોનો માનવ મહાસાગર છલકાય રહ્યો છે. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર શિવભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, ત્યારે કહી શકાય કે, વહેલી સવારથી જ અહી શિવભક્તોની લાંબી કતારો લાગી છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે ચાર પ્રહરની વિશેષ આરતી સાથે પૂજન અર્ચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
એટલું જ નહીં, સોમનાથ મહાદેવ મંદિર ભક્તોને દર્શન માટે સતત 42 કલાક ખુલ્લુ રાખવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જીવના શિવ સાથે મિલન કરાવતા પર્વ મહાશિવરાત્રી નિમિત્તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મહાદેવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ, મહાશિવરાત્રીના પાવન પર્વ પર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.