તવરા મંગલમઠ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાય
તવરા મંગલમઠના મહંત 108 ચેતનદાસ રહ્યા ઉપસ્થિત
ભજન કીર્તન, મહાઆરતી, ગુરુઆશિષ, પ્રસાદીનું આયોજન
મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયીઓની ઉપસ્થિતિ
આસપાસના ગામના ગુરુભક્તોએ આશીર્વચનનો લ્હાવો લીધો
ભરૂચ તાલુકાના તવરા મંગલમઠ ખાતે કબીર સંપ્રદાયના ભાઈ-બહેનો અને ગ્રામજનોને આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે મહંત 108 ચેતનદાસ સાહેબે આશીર્વાદ આપ્યા હતા.
ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનાર આવેલ મંગલમઠ ખાતે આજે ગુરુપૂર્ણિમાની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ગુરુભક્તો મંગલમઠ ખાતે ઉમટી પડ્યા હતા. તવરા મંગલમઠના મહંત 108 ચેતનદાસએ સૌકોઈ ગુરુભક્તોને આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ મંગલમઠ ખાતે ભજન કીર્તન, મહાઆરતી, ગુરુ આશિષ તથા મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયીઓ જોડાયા હતા. જુના તવરા ગામ પંચાયતમાં તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ સરપંચ, ઉપસરપંચ તથા સભ્યો સહિત ગામના સામાજિક આગેવાનોનું આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયીઓ તવરા મંગલમઠ ખાતે ગુરુ આશિષ માટે ઉમટી પડ્યા હતા.