પોરબંદરના સુદામા મંદિર ખાતે આજે અખાત્રીજના દિવસે ભક્તોને નિજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. વર્ષ દરમિયાન એક જ વખત આ મંદિરમાં સુદામાજીના ચરણસ્પર્શ કરવાની તક મળતી હોવાથી સવારથી જ આ મંદિરમાં ભારે ભક્તોની ભીડ જોવા મળે છે. સુદામાનગરી પોરબંદરમાં અક્ષર તૃતીય ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. સુદામાજીના મંદિરે વર્ષમાં એક જ વખત ચરણ સ્પર્શ કરવાનો લાહવો મળે છે. અક્ષર તૃતીયા એટલે અખાત્રીજ નો દિવસ. આ દિવસને સ્વયં સિધ્ધી મુહૂર્તના દિવસ તરીકે ગણવામાં આવે છે. આમ તો આ દિવસના અનેક મહત્વ છે.
પરંતુ પોરબંદર માટે આ દિવસ અનેરું મહત્વ ધરાવે છે. કારણ કે સમગ્ર ભારતમાં સુદામાજીનું એક માત્ર મંદિર પોરબંદરમાં જ આવેલું છે. અહિ માત્ર એક જ દિવસ ભક્તો સુદામાજીના ચરણ સ્પર્શ કરી શકે છે. ત્યારે આજે પણ અખાત્રીજના દિવસે સવારે 6 થી સાંજના 8:30 કલાક સુધી સુદામાજીનું મંદિર ભક્તો માટે ખુલ્લુ રહેશે. જેથી ભક્તો નિજ મંદિરમાં પ્રવેશ કરી સુદામાજીના દર્શન કરી ધન્યતા અનુભવી શકે.