યાત્રાધામ પાવાગઢ ખાતે પોષી પૂનમનો પાવન અવસર
પોષી પૂનમ નિમિત્તે મહાકાળીના દર્શનનો અનેરો મહિમા
હજારો શ્રદ્ધાળુઓ ઉમટતા પાવાગઢમાં ભક્તિનું ઘોડાપૂર
‘જય મહાકાળી’ના નાદથી સમગ્ર પાવાગઢ ડુંગર ગુંજ્યો
ધાર્મિક ઉત્સાહ - ભક્તિભાવનું અદભુત દ્રશ્ય જોવા મળ્યું
આજરોજ પોષી પૂનમ નિમિત્તે મહાકાળી માતાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચ્યા હતા. વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ "જય મહાકાળી" અને "જય માતાજી"ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
ઘણા ભક્તો રાત્રિ દરમિયાન જ પાવાગઢ પહોંચી ગયા હતા, અને વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહી માતાજીના દર્શન કર્યા હતા. કેટલાક શ્રદ્ધાળુઓએ પરંપરાગત રીતે પગપાળા ચઢાણ કરીને પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ, ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. આ સાથે જ પાવાગઢમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનું અદભુત દ્રશ્ય જોવા મળ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.