-
ભરૂચ જિલ્લા કોંગ્રેસના મેન્ડેટકાંડનો મામલો
-
જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
-
દાવેદારોમાં નારાજગી સ્વાભાવિક છે
-
કોંગ્રેસ પ્રમુખ પર લાગ્યા હતા આક્ષેપ
-
પોસ્ટર સળગાવી વિરોધ કરાયો હતો
ભરૂચમાં કોંગ્રેસ પક્ષમાં એક બેઠક માટે બે અલગ અલગ ઉમેદવારોને મેન્ડેટ આપવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દાને લઈને પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં અસંતોષ ફેલાયો છે.વિરોધ સ્વરૂપે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોના પોસ્ટર સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધાર્યો છે.આ સમગ્ર વિવાદ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું કે,“જે દાવેદારને ટિકિટ મળી નથી, તેમાં આક્રોશ હોવો સ્વાભાવિક છે. પરંતુ પ્રદેશ કોંગ્રેસ દ્વારા લેવામાં આવેલો નિર્ણય શિરોમાન્ય ગણાશે.”તેમણે વધુમાં ઉમેર્યું કે શહેર કોંગ્રેસનું માળખું તેમની સીધી જવાબદારીમાં આવતું નથી, છતાં મોવડી તરીકે તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે.આ સાથે તેમણે સંકેત આપ્યો કે સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં યોગ્ય પગલાં લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કુતુબુદ્દીન પટેલનું ઉમેદવારી ફોર્મ રદ થતાં તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી, જે આ વિવાદનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.આ બનાવને પગલે ભરૂચ કોંગ્રેસમાં આંતરિક મતભેદો ખુલ્લા પડ્યા છે.
