રાજયમાં શિક્ષકોના અને આરએસએસની ભગિની સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના વિરોધ વચ્ચે મંગળવારના રોજ લેવાયેલી શિક્ષક સજજતા સર્વેક્ષણ પરીક્ષામાં શિક્ષકોની પાંખી હાજરી જોવા મળી હતી.
ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષકોની શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અમદાવાદ શહેરના મોટા ભાગની શાળાઓમાં પરીક્ષાર્થી શિક્ષકોની નહિવત હાજરી જોવા મળી હતી જ્યારે અમદાવાદ જોધપુર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 1 માં ત્રણ બ્લોકમાં 54 શિક્ષકો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તંત્રની તૈયારીઓ બાદ એક પણ શિક્ષક પરીક્ષા આપવા માટે આવ્યો ન હતો. જયારે અન્ય શાળાઓમાં પણ પરીક્ષા આપનારની સંખ્યા નહિવત જોવા મળી હતી. આ પરીક્ષાનો વિરોધ પક્ષ પણ વિરોધ કરી રહયો છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ અને રાજ્યના શિક્ષકોનું પૂરતું સમર્થન મળતું હોય તેવું જોવા મળી રહ્યું છે.
રાજયના અન્ય શહેરોમાં શિક્ષણ સજજતા સર્વેક્ષણ પરીક્ષાને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ સર્વેક્ષણ સજ્જતાને લઈ ને આજે ૧૨ સેન્ટરોમાં પરીક્ષા આપી હતી. નોંધાયેલાં ૬૫૩ શિક્ષકો પૈકી ૩૬૫ શિક્ષકોએ પરીક્ષા આપતાં 55 ટકા હાજરી નોંધાય હતી.