Connect Gujarat
વિશિષ્ટ

વડોદરા : વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યાના કારણે 7 શાળાને બંધ કરવાનો નિર્ણય, વાલીઓની મુશ્કેલીમાં વધારો...

શાળા સંચાલકો દ્વારા ઓચિંતી સ્કુલો બંધ કરી દેવાના નિર્ણય ને કારણે વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે

X

વડોદરામાં ગુજરાતી માધ્યમની 7 શાળાને વિધાર્થીઓની અપૂરતી સંખ્યાના કારણે શાળા સંચાલકો દ્ધારા શાળા બંધ કરવાનો નિર્ણય કરાયા બાદ વિદ્યાર્થીઓનું ભાવિ ન જોખમાય તે માટે અન્ય શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, હવે શાળાઓ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને લાંબા અંતરની શાળાઓમાં પ્રવેશ મળતા તેમજ પ્રવેશ પ્રક્રિયા માટે વાલીઓને કચેરીના ધક્કા ખાવાનો વારો આવતા નારાજગી જોવા મળી છે.

વડોદરા શહેરમાં ગુજરાતી માધ્યામની 7 શાળામાં વિધાર્થીઓની અપૂરતી સંખ્યાના કારણે શાળા સંચાલકો દ્ધારા શાળા બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. વાલીઓએ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે, શાળા સંચાલકો દ્વારા ઓચિંતી શાળા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેથી બાળકોનું ભવિષ્ય બગડે નહીં તે હેતુથી બીજી શાળામાં તાત્કાલિક એડમિશન કરાવી આપવામાં આવે. શાળા સંચાલકો દ્વારા ઓચિંતી સ્કુલો બંધ કરી દેવાના નિર્ણય ને કારણે વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. એટલું જ નહીં, બાળકના અન્ય શાળામાં પ્રવેશ મેળવા એક શાળાએથી બીજી શાળામાં ધક્કા ખાવા પડી રહ્યા છે.

તો બીજી તરફ, વાલીઓએ મોંઘી ફી વસુલતી શાળામાં પોતાના સંતાનોને મૂકી સ્કુલના યુનિફોર્મ સાથે અન્ય ખર્ચનો વધુ એક ભાર સહન કરવાનો વખત આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ આપણી ગ્રાન્ટેડ શાળાઓનું અસ્તિત્વ ખતરામાં છે. શિક્ષણ વિભાગની કેટલીક નીતિઓને કારણે ચાલુ વર્ષે વધુ અનેક ગ્રાન્ટેડ શાળામાં સંચાલકોએ શાળા બંધ કરવા અરજી કરી હતી. છેલ્લા 10 વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ રાજ્યભરમાંથી બંધ થઇ ચૂકી છે. સરકારી તરફથી અપાતી અપૂરતી ગ્રાન્ટને કારણે ગ્રાન્ટેડ શાળાના સંચાલકો શાળા બંધ કરવા મજબૂર બન્યા છે.

Next Story