-
ધરમપુરમાં પાઇપલાઇનના વળતરનો મામલો
-
આદિવાસી ખેડૂતોમાં તંત્ર સામે ઉગ્ર આક્રોશ
-
ખેડૂતોના રોષ આગળ પાણી પુરવઠા વિભાગ નમ્યું
-
ખેડૂતોની ને.હા.56 પર ચક્કાજામ કરવાની ચીમકી
-
તંત્રએ વળતર આપવાની આપી ખાતરી
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ખેડૂતોનો ઉગ્ર મિજાજ જોવા મળ્યો હતો. વર્ષ 2023માં ખેતરોમાંથી નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇનનું વળતર હજુ સુધી ન મળતા, 150 જેટલા ખેડૂતોએ પાણી પુરવઠા વિભાગની કચેરીનો ઘેરાવ કર્યો હતો.
વલસાડ જિલ્લાના ધરમપુરના વિરવલ, ખટાણા, નાની ઢોલડુંગરી અને રાજપુરી તલાટ જેવા ગામોમાં વર્ષ 2023માં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને યોગ્ય વળતર આપવાની ખાતરી અપાઈ હતી, પરંતુ સમય વીતવા છતાં ખેડૂતોના હાથ ખાલી રહ્યા છે. ટેકનિકલ કારણો આગળ ધરીને વિભાગ દ્વારા ખેડૂતોને ધક્કા ખવડાવવામાં આવતા આજે આદિવાસી સમાજ અને ખેડૂતોનો સંયમ તૂટ્યો હતો.
સમગ્ર મામલો ઉગ્ર બનતા પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એન્જિનિયર મીડિયા સામે આવ્યા હતા. તેમણે આ વિલંબ પાછળ ‘પ્રોમોલોગેશન‘ (જમીન માપણી/વહીવટી પ્રક્રિયા) ની ભૂલ હોવાનું સ્વીકાર્યું હતું. અધિકારીએ બાંહેધરી આપી છે કે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવી દેવામાં આવશે.
જોકે, ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં આ વળતર તેમના ખાતામાં નહીં જમા થાય, તો તેઓ નેશનલ હાઈવે 56 પર ચક્કાજામ કરી ઉગ્ર આંદોલન છેડાશે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર તેની ખાતરી ક્યારે પૂરી કરે છે.
