હૈદરાબાદથી ચેન્નાઈ જઈ રહેલી ચારમીનાર એક્સપ્રેસમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ટ્રેન જ્યારે તેલંગાણાના યાદદ્રી ભુવનગીરી જિલ્લાના અલેર સ્ટેશન નજીક પહોંચી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
પ્રાથમિક અહેવાલો મુજબ, ટ્રેનના S5 કોચમાં અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને જોતજોતામાં આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. કોચમાં ધુમાડો ભરાઈ જતા મુસાફરો ગભરાઇ ગયા હતા. ટ્રેન ઉભી રહે તે પહેલા જ પોતાનો જીવ બચાવવા માટે કેટલાક મુસાફરો ચાલુ ટ્રેને કોચમાંથી બહાર કૂદી પડ્યા હતા.
પ્રાથમિક તારણ મુજબ આગ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે લાગી હોવાનું મનાય છે, જોકે રેલવે દ્વારા સત્તાવાર તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે. ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવતા મોટી હોનારત ટળી હતી. રેલવે કર્મચારીઓ અને સ્થાનિક રાહત ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
