શિક્ષણનું ડિજિટલાઇઝેશન,એમેઝોન પરથી ઓર્ડર કરો સ્કૂલની બુક્સ
ગુજરાત સરકાર લાવી ‘બુક્સ ટુ સ્ટુડન્ટ્સ’ સ્કીમ
રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો એમેઝોન સાથે મહત્વનો કરાર
‘બુક્સ ટુ સ્ટુડન્ટ્સ વિથ જસ્ટ વન ક્લિક’ પહેલનો પ્રારંભ
પ્રિન્ટ કિંમતે જ એમેઝોન પરથી ઓર્ડર કરી શકાશે પાઠ્યપુસ્તકો
ગુજરાત સરકાર દ્વારા વાલીઓ-વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ પહેલ શરૂ કરવામાં આવી છે,બુક્સ ટુ સ્ટુડન્ટ્સ વિથ જસ્ટ વન ક્લિક હેઠળ હવે ઘરે બેઠા પુસ્તકો મેળવી શકાશે.
નવા શૈક્ષણિક સત્રમાં પુસ્તક ભંડારોની લાંબી કતારો અને ભીડથી થતી વાલીઓની હાલાકીનો હવે અંત આવ્યો છે. નોકરિયાત માતા-પિતાની સમયની મૂંઝવણને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ‘બુક્સ ટુ સ્ટુડન્ટ્સ વિથ જસ્ટ વન ક્લિક’ પહેલ શરૂ કરી છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન સાથે MoU કર્યા છે, જેનાથી હવે માત્ર એક ક્લિક પર પાઠ્યપુસ્તકો સીધાં ઘરઆંગણે પહોંચી રહ્યા છે.
સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત મળી છે. કોઈ પણ વધારાના ડિલિવરી ચાર્જ વગર, માત્ર મૂળ કિંમતે જ પાઠ્યપુસ્તકો ઘેરબેઠા મળી રહ્યા છે.
સરકારી શાળાઓમાં વિનામૂલ્યે અપાતા પુસ્તકો ઉપરાંત, સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓએ પુસ્તકો જાતે ખરીદવાનાં હોય છે. આવા વિદ્યાર્થીઓની સુવિધા માટે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ ઓનલાઇન વ્યવસ્થા શરૂ કરાઈ છે. શહેરના નોકરિયાત વાલીઓ માટે પોતાના બાળકનાં પુસ્તકો લેવા જવાનો સમય કાઢવો મુશ્કેલ હતો, પરંતુ આ સેવાથી તેમને દોડધામ વગર ઘરે જ તમામ પુસ્તકો સરળતાથી મળી રહ્યાં છે.
દર વર્ષે આશરે દોઢ કરોડ પાઠ્યપુસ્તકોનું વિતરણ કરતા મંડળે તમામ ધોરણ અને માધ્યમનાં પુસ્તકો ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યા છે. વધારાનાં પુસ્તકોની જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે પણ આ સેવા આશીર્વાદરૂપ બની છે. ટેકનોલોજીના માધ્યમથી ‘ઈઝ ઓફ એજ્યુકેશન’ તરફનું આ પગલું હજારો પરિવારોના સમયની બચત સાથે શિક્ષણની સફરને વધુ સુગમ બનાવી રહ્યું છે.
