ભરૂચ જિલ્લા આયોજન ભવન કચેરીના કમ્પાઉન્ડમાંથી ACની કોપર પાઇપની ચોરી કરવાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ચોરીમાં ગયેલી કોપર પાઇપના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
ભરૂચ જિલ્લા આયોજન ભવનના કચેરી કમ્પાઉન્ડમાં લગાવવામાં આવેલા પાંચ ACના આઉટડોર યુનિટ પૈકી બે યુનિટ દિવાલ પરથી નીચે ફેંકી દીધા હતા. આ ઘટનામાં અંદાજે રૂ. 10 હજારનું નુકસાન થયું હતું. ઉપરાંત, ACના ઇન્ડોર અને આઉટડોર યુનિટને જોડતી આશરે પાંચ કિલોગ્રામ વજનની કોપર પાઇપ, જેની કિંમત રૂ. 6 હજાર જેટલી થાય છે, તેની ચોરી કરવામાં આવી હતી.
આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.ચોરીના ગુનાને ઉકેલવા પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે વિવિધ સ્થળોના CCTV ફૂટેજ મેળવી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલ શખસ ચોરીના મુદ્દામાલ સાથે યુનિયન સ્કૂલ સામે ઊભો છે.ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં શંકાસ્પદ શખસ મળી આવ્યો હતો.
પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલી આશરે પાંચ કિલોગ્રામ કોપર પાઇપના ટુકડા, જેની કિંમત રૂ. 6 હજાર છે, કબજે કર્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીની ઓળખ બજરંગીકુમાર જગદીશભાઈ વાઘેલા (ઉંમર 31 વર્ષ), રહે. સોનતલાવડી, જિલ્લા ઉદ્યોગ ભવન પાસે, ભરૂચ તરીકે કરી છે.
