-
તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ
-
ગૌસેવા માટે પ્રથમ બોક્સ રૂ.11,111ની બોલી લાગી
-
કેસર કેરીની આવક થતા જ યાર્ડમાં ભારે ઉત્સાહનો માહોલ
-
પ્રથમ દિવસે જ રૂ.57000થી વધુની રકમ ગૌસેવા માટે એકત્ર થઈ
-
કમોસમી વરસાદ અને માવઠાની અસરને કારણે ઉત્પાદનમાં ઘટાડો
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝનનો મંગલમય પ્રારંભ થયો હતો,અને ગૌસેવા માટે પ્રથમ બોક્સની રૂપિયા 11 હજાર 111ની બોલી લાગી હતી.
ગીરની પ્રખ્યાત કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર છે.એશિયાના સૌથી મોટા ગણાતા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2026ની કેસર કેરીની સિઝનનો વિધિવત પ્રારંભ થયો છે.”ગીરના અમૃત ફળ” તરીકે ઓળખાતી કેસર કેરીની આવક થતા જ યાર્ડમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
તાલાલા યાર્ડના ચેરમેન સંજય શિંગાળા અને તાલાલા પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનડકટ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હરાજીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. સિઝનના પ્રથમ દિવસે જ ગીર પંથકના અનેક ખેડૂતો પોતાની મહામૂલી કેસર કેરીના બોક્સ લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા.
આ વર્ષની સિઝનની શરૂઆત પરોપકારના કાર્ય સાથે થઈ હતી. ભોલેબાબા મેંગો સપ્લાયર્સ પેઢીના સંચાલક કાળુભાઇએ પ્રથમ બોક્સની હરાજી ગૌ માતાના ચારા માટે અનામત રાખી હતી.અને પ્રથમ બોલી રૂપિયા 11 હજાર 111ની બોલાય હતી,જોકે 10 કિલોનું આ ખાસ બોક્સ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનડકટે રૂપિયા 17,000માં ખરીદીને ગૌસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત કિસાન મેંગો, રામદૂત મેંગો, ભાગ્યોદય મેંગો, ભાગ્યલક્ષ્મી મેંગો અને અર્જુન મેંગો જેવી અન્ય પેઢીઓએ પણ પ્રથમ બોક્સના વેચાણની રકમ ગૌશાળા માટે અર્પણ કરી હતી. આમ, સિઝનના પ્રથમ દિવસે જ કુલ રૂપિયા 57 હજારથી વધુની રકમ ગૌસેવા માટે એકત્ર થઈ હતી.
