રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કામગીરી
અંતરિયાળ વિસ્તારોમાં કૌશલ્ય વિકાસ કાર્યક્રમો હાથ ધરાયા
આદિવાસી વિસ્તારોમાં ‘વનબંધુ કલ્યાણ યોજના’ આશીર્વાદરૂપ
શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગાર ક્ષેત્રે આવ્યું સકારાત્મક પરિવર્તન
તબીબી સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ થતાં સ્થાનિકોને રાહત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ‘વનબંધુ કલ્યાણ યોજના’ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો થકી ડાંગ સહિતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગાર ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
પ્રકૃતિના ખોળે ખીલેલી અને સદીઓથી અનોખી ઓળખ જાળવી રાખનાર આદિવાસી સંસ્કૃતિ ગુજરાતનું ગૌરવ છે. ૯ ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ માત્ર ઉજવણીનો નહીં, પરંતુ પરંપરા અને પ્રગતિના સુંદર સમન્વયને બિરદાવવાનો અવસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ‘વનબંધુ કલ્યાણ યોજના’ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો થકી ડાંગ સહિતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગાર ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આદિવાસી બહુલ જિલ્લાઓમાં ‘એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ’ દ્વારા નવી પેઢીને ડિજિટલ બ્લેકબોર્ડ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે. મફત પુસ્તકો અને ગણવેશ જેવી સુવિધાઓથી બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત થઈ રહ્યો છે.
ડાંગના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ શિક્ષણ અને તબીબી સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ થતાં સ્થાનિક લોકો આત્મનિર્ભર બની રહ્યા છે. આ સાથે જ સરકારી કોલેજો તથા પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો શરૂ થતાં, અભ્યાસ કે, સારવાર માટે હવે શહેરો તરફ જવું પડતું નથી. પાયાની સુવિધાઓ સ્થાનિક સ્તરે મળતાં લોકોની વર્ષો જૂની મુશ્કેલીઓનો અંત આવ્યો છે. ‘સક્ષમ સખી’ અને કૌશલ્ય તાલીમ યોજનાઓ મારફતે મહિલાઓ અને યુવાનો હસ્તકળા તથા ફર્નિચર નિર્માણ ક્ષેત્રે સ્વરોજગારી મેળવી રહ્યા છે. રાઠવા પિઠોરા ચિત્રકળા અને ડાંગી નૃત્યની સાંસ્કૃતિક વિરાસતને જાળવીને આદિવાસી સમાજ આજે સમૃદ્ધ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે.
