રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો આડા રહ્યાં છે. ટૂંક સમયમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ શકે છે, ત્યારે એ પહેલાં તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે એક્ટિવ થઇ ગયા છે. તેવામાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા દિલ્હીમાં છે, જ્યાં તેઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં પ્રથમ યાદીને આખરી ઓપ આપવામાં આવશે.
રાજ્યના કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા આજે દિલ્હીમાં સોનિયા ગાંધી, સંગઠન મહાસચિવ વેણુગોપાલ સહિત કોંગ્રેસના કેન્દ્રીય દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અંગે ચર્ચા થઈ શકે છે, ત્યારે કહી શકાય કે, કોંગ્રેસ દિવાળી બાદ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. વિધાનસભાની ચૂંટણી જાહેરાત કાઉન્ટડાઉન શરૂ થયો છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કમર કસી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાઓના 3 દિવસ માટે દિલ્હીમાં ધામા છે, જ્યાં વિધાનસભા 182 બેઠકના ઉમેદવારની ચર્ચા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની એક બેઠક યોજાઇ હતી. આ મેરેથોન બેઠક તારીખ 18થી 21 ઓક્ટોબર સુધી ચાલશે. મહત્વનું છે કે, ચૂંટણીને લઇને ત્રણેય પક્ષના નેતાઓના અરસ-પરસ ગુજરાત અને દિલ્હીમાં આંટાફેરા શરૂ થઈ ગયા છે, તેમજ કાર્યાલય પર બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે મહામંથન મેરેથોન બેઠકોનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે.