રાજયમાં સોમવારે છ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે થશે મતદાન

New Update
રાજયમાં સોમવારે છ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે થશે મતદાન

રાજયમાં છ વિધાનસભા બેઠકો માટે સોમવારના રોજ મતદાન થવા જઇ રહયું છે. છ બેઠકો પર 14.76 લાખથી વધારે મતદારો નોંધાયેલા છે. પેટા ચૂંટણી પહેલાં 6માંથી ચાર બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસનો કબજો હતો. ભાજપે તમામ બેઠકો અંકે કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે જયારે કોંગ્રેસે તેનો ગઢ જાળવી રાખવા માટે આક્રમક પ્રચાર કર્યો હતો. તમામ બેઠકોના પરિણામો 24મીના રોજ જાહેર કરાશે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજયમાં કેટલીક બેઠકો પર વર્તમાન ધારાસભ્યોને ટીકીટ આપી હતી અને તેઓ વિજેતા બનતાં તેમની ખાલી પડેલી જગ્યાઓ તથા કોંગ્રેસના બે ધારાસભ્યોએ પક્ષપલટો કરતાં સોમવારના રોજ પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. 6 બેઠક પર 14.76 લાખ મતદારો નોંધાયેલા છે અને તેઓ મતદાન કરી શકે તે માટે 1781 મતદાન મથક ઉભા કરવામાં આવશે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારોની વાત કરવામાં આવે તો ભાજપે આ વખતે થરાદ બેઠક પરથી જીવરાજ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઇવાડી બેઠક પરથી જગદીશ પટેલ અને લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશ સેવકને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસે થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત, બાયડ બેઠકથી જશુભાઇ પટેલ, અમરાઇવાડી બેઠકથી ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડા બેઠકથી ગુલાબસિંહ ચૌહાણ, રાધનપુર બેઠકથી રઘુ દેસાઇ, ખેરાલુ બેઠકથી બાબુજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. સોમવારના રોજ થનારા મતદાન માટે ચૂંટણીપંચે પણ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. તમામ મતદાન મથકો ખાતે ઇવીએમ તથા પોલીંગ અને પોલીસ સ્ટાફને રવાના કરી દેવાયો છે. સોમવારે થનારા મતદાનના પરિણામો 24મીના રોજ જાહેર કરવામાં આવશે.

Latest Stories