Connect Gujarat
ગુજરાત

મહારાષ્ટ્રના પાલઘરમાં કાર-બસ વચ્ચેની ટક્કરે 4 લોકોના મોત, સુરતના ખોલવડમાં અકસ્માતે ટ્રક ચાલકનું મોત

સુરતના ખોલવડ ગામ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ટ્રક ડીવાઈડર સાથે ભટકાતાં ગંભીર ઇજાના પગલે ચાલકનું મોત નીપજયું હતું.

મહારાષ્ટ્રના પાલઘરમાં કાર-બસ વચ્ચેની ટક્કરે 4 લોકોના મોત, સુરતના ખોલવડમાં અકસ્માતે ટ્રક ચાલકનું મોત
X

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માતમાં કાર અને બસની જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ધટનામાં 4 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે સુરતના ખોલવડ ગામ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ટ્રક ડીવાઈડર સાથે ભટકાતાં ગંભીર ઇજાના પગલે ચાલકનું મોત નીપજયું હતું.

મળતી માહિતી અનુસાર, ગત મધરાત્રે સુરત-મુંબઇ નેશનલ હાઇવે ઉપર આવેલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચારોટી જંકશન પાસેના કાસા ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બારડોલીમાં પરિવારને મળવા માટે આવેલા NRI ઇબ્રાહિમ દાઉદ તથા આશિયા કલેક્ટર લંડન જવાના હોવાથી તેમના સંબંધી ઇસ્માઇલ મહંમદ દેસાઈ સ્કોડા કારચાલક મહંમદ સલામ હાફેજી સાથે બાય રોડ મુંબઈ એરપોર્ટ જવા નીકળ્યા હતા. આ દરમ્યાન મળસકે 4 વાગ્યાના આસપાસ સમયે તેઓની કાર અન્ય વાહન સાથે અથડાતા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.

અકસ્માતની જાણ થતાં જ બારડોલીના વ્હોરવાડ વિસ્તારમાં સગા-સબંધીઓ સહિત મુસ્લિમ સમાજના લોકો એકઠાં થઈ ગયા હતા. અકસ્માત મામલે પાલઘર પોલીસે જણાવ્યું હતું કે, ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી બસમાં ઘુસી ગઈ હતી. જેના કારણે ગમખ્વાર અકસંત સર્જાયો હતો, જેમાં 4 લોકો મોતને ભેટ્યા હતા.

તો બીજી તરફ, સુરત જિલ્લાના ખોલવડ ગામ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ખોલવડ ગામ નજીક ટ્રક ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, આખીયાખી ટ્રક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કિલોમીટરો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવના પગલે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story