મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
મોરબીમાં દિવાળીની રજાઓમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામતા મોડી સાંજે આ પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં 60 બૉડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાએ દાવો કર્યો છે.
કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.
- દુર્ઘટનાને પાંચ કલાક થયા પણ ઓરેવા કંપનીના સંચાલકોનું મૌન, મોરબી સિવિલ હોસ્પિટલમાં CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા
- ઇન્ડિયન મેડિકલ આસોસીશનના બધા ડૉક્ટરોની ટીમ સિવિલ હોસ્પિટલમાં, નિઃશુલ્ક એક્સરે-સીટી સ્કેન કરવાની જાહેરાત
- 77 મૃતદેહ મોરબી હોસ્પિટલમાં પહોંચ્યા, મોટા ભાગના બાળકો, એક-એક પલંગ પર બે-બે મૃતદેહ, હજુ આંક વધે તેવી શકયતા: ડોકટરના સૂત્રો
- નદીમાં પાણી ખાલી કરવા માટે ચેકડેમ તોડવાનું શરૂ
- મોતનો આંકડો 91ને પાર
- મૃતદેહોને શોધવા મચ્છુ નદીનું પાણી કાઢવાની કવાયત શરૂ
- અમદાવાદના પ્રહલાદનગર, થલતેજ અને ગોમતીપુરના 25 ફાયર જવાનો મોરબી જવા રવાના
- જામનગરથી એરફોર્સના 50 ગરૂડ કમાન્ડો મોરબી જવા રવાના
- ફિટનેસ સર્ટિફિકેટ વિના જ પુલ શરૂ કરી દેવાયો હતો: નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા
- જામનગર અને જૂનાગઢથી વધુ એમ્બ્યુલન્સ મોરબી જવા રવાના
- મોરારી બાપુએ મૃતકના પરિવારજનોને 5-5 હજારની સહાય જાહેર કરી, મૃતકોને મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ આપી
- મોરબીની આસપાસની તમામ હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ
- ઓરેવા ટ્રસ્ટના જયસુખ ઓધવજી પટેલ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ
- જવાબદાર ઓરેવા ટ્રસ્ટ સામે કાર્યવાહી કરવાની લોકોમાં માંગ
- મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ લોકોના ટોળેટોળા એકત્ર થવા લાગ્યા
- મોરબી જવાના તમામ રસ્તાઓ પર ચિક્કાર ટ્રાફિક
- કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવાજનોને 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર સહાય જાહેર
- મોરબી બાંધકામ સમિતિના ચેરમેન ઘટના સ્થળે
- તાત્કાલિક સારવાર કઇ રીતે આપી શકાય તે અમારી પ્રાથમિકતા છે: હર્ષ સંઘવી