-
રાજસ્થાનના અજમેરની હોટલમાં આગ લાગવાનો મામલો
-
આ દુર્ઘટનામાં લાઠીના એક જ પરીવારના 3 સભ્યોના મોત
-
પતિ-પત્ની અને પુત્રના મૃતદેહ વતન લાઠી લાવવામાં આવ્યા
-
એક સાથે 3 જનાજા નિકળતા લાઠી શહેરમાં શોકનો માહોલ
-
એક જ પરીવારના 3 સભ્યોની દફનવિધિમાં માનવમેદની ઉમટી
રાજસ્થાનના અજમેરની હોટલમાં આગ લાગતા મોતને ભેટેલા અમરેલી-લાઠીના એક જ પરિવારના 3 સભ્યોનો આજે લાઠીમાં જનાજો નીકળ્યો હતો. ગત તા. 1 મેના રોજ આગની દુર્ઘટનામાં માતા-પિતા અને પુત્રનું મોત નિપજતા દફનવિધિ કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના લાઠીમાં રહેતા અને ચશ્માની દુકાન ધરાવતા 30 વર્ષીય અલફાઝ હારૂનભાઈ નુરાની તેમની 26 વર્ષીય પત્ની શબનમ નુરાની અને 4 વર્ષના પુત્ર અરમાન નુરાની સાથે ગત તા. 27 એપ્રિલના રોજ રાજસ્થાનના અજમેર શરીફની યાત્રાએ ગયા હતા. આ પરિવાર દરગાહથી થોડે દુર આવેલ હોટલ નાઝમાં રોકાયું હતું. અલફાઝભાઇનો પરિવાર તા. 1 મેના રોજ સવારે 10 વાગ્યે હોટેલમાંથી ચેક આઉટ કરી પરત લાઠી આવવા નીકળવાના હતા. જોકે, આ પરિવાર ચેકઆઉટ કરે તે પહેલાં જ સવારે આઠેક વાગ્યે 5 માળની હોટલના એક રૂમમાં ધડાકા સાથે ACનું કોમ્પ્રેસર ફાટ્યું હતું.
જેના કારણે જોતજોતામાં ગ્રાઉન્ડ ફ્લોરથી 5માં માળ સુધી બિલ્ડીંગ આગની ઝપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં કુલ 4 વ્યક્તિના મોત થયા હતા. જે પૈકી 3 લાઠીના હતા. આજે વહેલી સવારે અલફાઝ નુરાની તેમના પત્ની શબનમ નુરાની અને પુત્ર અરમાન નુરાનીના મૃતદેહને વતન લાઠીમાં લાવતા શોકમય માહોલ સર્જાયો હતો. માતા-પિતા અને પુત્રનો એક સાથે જનાજો નીકળતા સમગ્ર લાઠી શહેરમાં શોકનો માહોલ છવાયો હતો.