ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બરોબર સગેવગે કરવાનું ચાલતું કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુત્રાપાડાના લોઢવા ગામેથી શંકાસ્પદ સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપાતા અનાજ માફિયાઓમા ફફડાટ વ્યાપ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બરોબર સગેવગે કરવાનું ચાલતું કૌભાંડનોપ પર્દાફાશ થયો છે. સુત્રાપાડાના લોઢવા ગામેથી શંકાસ્પદ સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. આ બાબતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને બાતમી મળતા જ દરોડા પાડયા હતા. પુરવઠા અધિકારી, સ્થાનિક મામલતદાર સહિતની ટીમ ગોડાઉન પર ત્રાટકી હતી. માહિતી અનુસાર લોઢવા ગામે મહેશ ભોળા નામના વ્યક્તિના ગોડાઉનમાંથી આ અનાજનો જથ્થો ઝડપાયો છે.
અનાજનો જથ્થો કન્ટેનરમાં ભરાતો હતો તે સમયે જ ટીમ ત્રાટકી હતી અને દરોડા પાડયા હતા. સ્થળ પર થી 375 કટ્ટા ઘઉં, 07 કટ્ટા બાજરો, 24 કટ્ટા ઘઉંની કનકીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. તંત્રએ આ અનાજના પુરવઠા અને કન્ટેનર સહિત 15.50 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. જોકે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની કાર્યવાહીના પગલે અનાજ માફિયાઓમાં દોડધામ મચી જવા પામી છે.