વડીયા પંથકના બિસ્માર રોડ-રસ્તાથી લોકો થયા પરેશાન
AAP પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીના સરકાર સામે આક્ષેપ
AAPના ઇસુદાન ગઢવીએ સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો
રોડમાં ખાડા કે, ખાડામાં રોડ તે સમજાતું નથી : ઇસુદાન ગઢવી
ભાજપના નેતાઓ 40% કમિશન માંગતા હોવાનો પણ આક્ષેપ
ગુજરાતમાં વરસાદ બાદ મોટાભાગના રસ્તા ખખડધજ થઈ ગયા છે. શહેર-ગામ જ નહીં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવેની સ્થિતિ બદથી બદતર થઈ છે. રાજ્યના કેટલાક માર્ગની સ્થિતિ એવી થઈ ગઈ છે કે, કેટલાક કિલોમીટરનું અંતર કાપવા લોકોએ કલાકો રાહ જોવી પડે છે. નાગરિકોને આવા બિસ્માર રોડ-રસ્તાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, ખરાબ રોડ-રસ્તા મામલે નાગરિકોએ રોષ સાથે જન આંદોલન દ્વારા સરકાર સામે મોરચો માંડ્યો છે.
તેવામાં અમરેલી જિલ્લાના વડીયા પંથકના અત્યંત બિસ્માર રોડ-રસ્તા પરથી પસાર થતાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પણ સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે. ઇસુદાન ગઢવીએ બિસ્માર માર્ગને જોઈ “રોડમાં ખાડા છે કે, ખાડામાં રોડ છે” તે સમજાતું ન હોવાનું જણાવ્યુ હતું. છેલ્લા 15 વર્ષથી બિસ્માર માર્ગ બનાવવા કોન્ટ્રાક્ટરો ટેન્ડર નથી ભરતા અને ભાજપના નેતાઓ 40 ટકા કમિશન માંગતા હોવાનો પણ ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે.
એટલું જ નહીં, અમરેલીના પૂર્વ સાંસદ ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ સ્વીકાર કરે છે, એટલે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે તે સાબિત થતું હોવની પણ ઈસુદાન ગઢવીએ વાત કરી હતી, ત્યારે હવે આગામી દિવસોમાં હેલ્મેટ પહેરીને બિસ્માર રોડ-રસ્તા મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા ઇસુદાન ગઢવીએ ચીમકી ઉચ્ચારી હતી.