Connect Gujarat
ગુજરાત

છેલ્લા 1 મહિનાથી ફરાર AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનું પોલીસ સમક્ષ સરેન્ડર, જુઓ હાજર થયા બાદ શું કહ્યું..!

છેલ્લા એક મહિનાથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા.

X

છેલ્લા એક મહિનાથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં તેઓ 1 મહિના અને 9 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો અને ટેકેદારો જન સંપર્ક કાર્યાલય બહાર ભેગા થયા હતા. તો બીજી તરફ, નર્મદા પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જેમાં દેડીયાપાડા જતાં તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ચૈતર વસાવાના સમર્થકોએ જણાવ્યુ હતું કે, ધારાસભ્ય ખુદ હાજર થતાં હોય તો સમર્થકોને હેરાન કેમ કરાય છે.

જોકે, લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. આ સમયે ત્યાં AAPના નેતા યુવરાજસિંહ જાડેજા, ગોપાલ ઇટાલિયા સહિત મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ અંગે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતું કે, આટલી મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો અને ટેકેદારો ભેગા થયા છે, તે જોતાં ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન નહીં પણ તેઓની શક્તિનો અંદાજો લગાવી શકાય છે.

તો બીજી તરફ, રાજ્યમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યની પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ આ સમાચાર સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. જોકે, સમગ્ર મામલે ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઇકોર્ટ સુધીના દરવાજા ખટખટાવ્યા હતા. પરંતુ અદાલતે અરજી ફગાવી દેતા છેલ્લા 1 મહિનાથી ફરાર આપના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યુ હતું કે, ચૂંટણીમાં જીત બાદ હું લોકો વચ્ચે રહી લોકોના કામ કરતો આવ્યો છું, ત્યારે આદિવાસી સમાજ માટે સતત કામ કરતો રહીશ તેવું ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનું નિવેદન આપ્યું હતું.

Next Story