અમદાવાદ : શહેરને કોરોનામુક્ત બનાવવા તંત્રની સાથે પોલીસે પણ કમર કસી

કોરોના સામે લડવા માટે એક માત્ર વેક્સિન જ હથિયાર, સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા પોલીસ બની સજ્જ.

New Update
અમદાવાદ : શહેરને કોરોનામુક્ત બનાવવા તંત્રની સાથે પોલીસે પણ કમર કસી

દેશ અને રાજ્યમાં કોરોના સામે લડવા માટે એક માત્ર હથિયાર વેક્સિન જ છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકા પણ જાળવવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં દરેક લોકોને વેક્સિન મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના સૌથી મોટા પાથરણા બજાર ભદ્ર પ્લાઝાના ફેરિયાઓ તથા ઢાલગરવાડ કાપડ બજારના વેપારીઓ વેક્સિન આપવાનું આયોજન અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.

અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશન અને શહેર પોલીસ દ્વારા જે લોકો પાથરણા પાથરીને વેપાર કરે છે. તેવા નાના અને મધ્યમ વર્ગને વેક્સિન આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. લાલા દરવાજા ખાતે આવેલ આઈ.પી. મિશન સ્કૂલ ખાતે વેક્સિન સેન્ટર ખાસ કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં ખાસ કરીને લારી અને પાથરણાવાળા દરેક વેપારીઓને વેક્સિન આપવામાં આવે છે. પ્રતિ દિવસ 250થી વધુ લોકોને વેક્સિન આપવાની છે, ત્યારે અમદાવાદમાં અંદાજે 1 લાખ લારી અને પાથરણાવાળા વેપારીઓ વેપાર કરે છે.

પરંતુ હવે જે લોકો વેક્સિન નહિ લે તે પોતાના પાથરણા પાથરીને વેપાર નહિ કરી શકે તેવું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.અમદાવાદ શહેર પોલીસ અને મેડિકલ એસોસીએશનના સાથ સહકારથી બજારના તમામ વેપારીઓને વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

બીજી લહેર બાદ હવે જ્યારે શહેર અનલોક થઇ રહ્યું છે, ત્યારે ફેરિયા અને વેપારીઓ કોરોના કેરિયર ન બને તે માટે આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે 45 વર્ષથી વધુ આયુના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. થોડા દિવસો બાદ 18 વર્ષથી વધુ આયુના લોકોને પણ વેક્સિન આપવામાં આવશે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારમાં કેમ્પ લાવવામાં આવી રહ્યા છે. જોકે, શહેરમાં તમામ ફેરિયા અને પાથરણાવાળા વેપારીઓને આ વેક્સિનની કામગીરીમાં આવરી લેવામાં આવ્યા છે.