રાજ્યમાં કોરોના મહામારી કાબૂમાં છે તો બીજી બાજુ ત્રીજી વેવની શંકા ને લઇ સરકાર સજ્જ થઈ રહી છે ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા અને જળયાત્રા આ વર્ષે નીકળશે કે નહિ તે ચર્ચા છે ત્યારે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા એ અરજી કરી કોરોના ગાઈડલાઈન પ્રમાણે રથયાત્રા કાઢવાની તૈયારી બતાવી છે.
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા આગામી 13 જુલાઈના રોજ યોજાશે કે કેમ તેના પર અનેક તર્ક વિતર્ક વચ્ચે આજે જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ભગવાન નગરચર્યાએ નીકળે તેની મંજૂરી માંગવામાં આવી છે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં પણ 50 લોકો જ હાજર રહેશે તે માટે પણ મંજૂરી માંગવામાં આવી છે. રથયાત્રા માટે મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો પોલીસ તંત્ર તરફથી પણ બેઠકોનો ધમધમાટ શરુ થયો છે પણ જો મંજૂરી મળે તો જ રથયાત્રા અને જળયાત્રા નિકળશે. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ સાથે મળીને નિર્ણય લેશે.
થોડા દિવસ પહેલા જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટી સાથેની મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી એનો નિર્ણય લેવામાં આવશે એમ જણાવ્યું હતું. ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી.