Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : પોલીસે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણીને આપ પણ ચોંકી ઉઠશો..!

X

ઉડતા ગુજરાતનો વધુ એક પુરાવો અમદાવાદના પોલીસ ચોપડે નોંધાયો છે. ગ્રામ્ય એસઓજી પોલીસે 154 કિલો ગાંજાનો જથ્થો મળી રૂપિયા 20.59 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, ઓડિસાથી એક હજાર કિલ્લો ગાંજો રાજસ્થાન અને ગુજરાતમાં આવ્યો હોવાનું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

પોલીસની ગીરફતમાં ઉભેલા શખ્સોના નામ છે, અમિત વાઘેલા, પારસ મલ ગુજર, દિપક સોમાણી, ગોવિંદ જોશી અને રાજુ માલ્યા. જેમાં 154 કિલો ગાંજાનો જથ્થો આરોપી પારસ મલ ગુજરે પ્રતિ કિલો રૂપિયા 4 હજારની કિંમતે ફરાર આરોપી ભવરલાલ તેઈલી પાસેથી લીધો હતો. અને પારસ મલે રૂપિયા 5 હજાર પ્રતિ કિલોના ભાવે દિપક સોમાણીને ગાંજો આપ્યો હતો, ત્યારે દીપકે આરોપી રાજુને આ જ ગાંજો રૂપિયા 6 હજાર પ્રતિ કિલોના ભાવે આપ્યો હતો. બાદમાં રાજુએ અમિતને આ ગાંજો રૂપિયા 9 હજાર પ્રતિ કિલોના ભાવે આપ્યો હતો, જ્યારે અમિત આજ ગાંજના જથ્થાનું છૂટક વેચાણ કરતો હતો.

અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પારસ મલ 6-7 માસથી ગાંજાની હેરાફેરી સાથે સંકળાયેલો છે. પાંચેક દિવસ પહેલા આ જથ્થો આરોપીઓની મદદથી ટ્રાન્સપોર્ટેશનના વાહનો મારફતે સાણંદના ચેખલા ગામે અમિતની મદદથી વેચવા માટે લાવ્યા હતા. ઓડિસાથી ફરાર મુખ્ય આરોપી ભંવરલાલ તૈલીએ એક હાજર કિલ્લો ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો અને આ તમામ એજ હજાર કિલો ગાંજો રાજસ્થાન અને ગુજરાતના અમદાવાદ, ખેરાલુ, સુરેન્દ્રનગર સહીતના વિસ્તારમાં વેચવામાં આવ્યો છે, ત્યારે પોલીસ હાલ એ પણ તપાસ કરી રહી છે કે, ગુજરાતમાં આ નશાનો કાળો કારોબાર ક્યાં ક્યાં કરવામાં આવ્યો છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો, આરોપીઓ પોલીસના હાથે પકડાય નહિ તે માટે ટ્રાન્સપોર્ટમાં અલગ અલગ નામે ગાંજાના પાર્સલને અલગ અલગ પેકિંગ કરી રાજસ્થાનથી મોકલતા હતા. આરોપીઓ પોતે ખાનગી વાહન મારફતે રાજસ્થાનથી અમદાવાદ આવી પાર્સલ લઈ લેતા અને ગાંજનો જથ્થો ઠેકાણે પાડતા હતા. તેમ છતાં પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસના સર્વેલન્સ અને બાતમીથી આરોપીઓ બચી ન શક્યા અને કાયદાના સકંજામાં આવી ગયા. આરોપીઓ ગુજરાતમાં લોકલ પેડલરને અલગ અલગ શહેરોમાં મોકલવાના હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓ પાંચેક દિવસ પહેલા આ જથ્થો લાવ્યા હતા અને અગાઉ બેથી વધુ ખેપ મારી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે હાલ તો આ ઝડપાયેલા ગાંજાના જથ્થાનું મૂળ જાણવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. તો સાથે જ પોલીસે ફરાર આરોપી ભવરલાલ તેઈલીની પણ શોધખોળ શરૂ કરી છે.

Next Story