અમદાવાદમા રૂપિયા 418 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
આગામી ૧૧ ઑક્ટોમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે ૪૧૮ કરોડથી વધારેના ખર્ચે તૈયાર કરેલી આ હોસ્પિટલમાં અનેક વિશેષતા રહેલી છે. આ હોસ્પિટલમાં 850 બેડની ક્ષમતા ધરાવતી આ નવીન કિડની હોસ્પિટલ દેશની સૌથી મોટી અને ટોચની કિડની હોસ્પિટલ છે. તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં 10 મોડ્યુલર અને 12 નોન મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે કુલ 22 હાઈટેક ઓપરેશન થિયેટર આવેલા છે. જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત કીડનીને લગતા તમામ ઓપરેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટ, પિત્તાશય ટ્રાન્સપ્લાન્ટ અને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટેની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં એક સાથે 62 દર્દીઓને ડાયાલીસીસ થઈ શકે તેવી પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં એક જ સમયે મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તેવી અદ્યતન બ્લડ બેંક છે અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પહેલા કરવામાં આવતા ઇમ્યુનોલોજી, HLA અને સ્ટેમ સેલ ની તપાસ માટેની ગુણવત્તાસભર લેબોરેટરી પણ કાર્યરત કરવામાં આવશે.