અમદાવાદ શહેરમાં રહેતા એક યુવકની સાથે તેની પત્નીએ યોગ્ય વર્તણુક ન કરતા અને સારી રીતે બોલચાલ ન કરતા તેના પિયરમાં મોકલવા માટે સાળાને ફોન કર્યો હતો. જેથી યુવકનો સાળો તેની બહેનને લેવા આવ્યો, ત્યારે તેની સાથે 2 મિત્રોને પણ લઈને આવ્યો હતો. યુવકનો સાળો તેની બહેનને લઈને જતો હતો, ત્યારે તેણે બનેવીના ભાઇ સાથે બબાલ કરી મારામારી કરી હતી. યુવકના શાળાએ મોટાભાઇ સાથે આ વર્તણુક કરતા તેને મનમાં લાગી આવ્યું હતું. જેથી તે તાત્કાલિક ઘરે દોડી આવ્યો, અને રૂમ બંધ કરી સાડી વડે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના નરોડામાં રહેતા 28 વર્ષીય યુવકની પત્ની તથા પુત્ર તથા મોટા ભાઈ-ભાભી અને માતા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. તે પોતાની દુકાન ધરાવે છે, અને ગાડી રીપેરીંગનું કામકાજ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. ચારેક દિવસ પહેલા યુવક તેની પત્નીને તેડી લાવ્યા બાદ તે સારી રીતે બોલતા નહીં, કે યોગ્ય વર્તન પણ કરતી નહોતી. જેથી યુવકે કંટાળીને પત્નીના કાકાના દીકરાને ફોન કરી પત્નીને તેડી જવા જણાવ્યું હતું. સોમવારે બપોરે યુવક દુકાનેથી ઘરે જમવા સારું આવ્યો હતો, તે વખતે તેની સાસરીમાંથી તેનો સાળો તેના બીજા 2 મિત્રો સાથે તેના ઘરે બહેનને તેડવા સારું આવ્યો હતો. જેથી યુવકની પત્ની તેઓની સાથે જવા માટે નીકળે તે વખતે યુવકના મોટાભાઈએ ઘરની વહુને તારે અહીંયા રહેવાનું નથી, તેમ કહેતા તેણે મારા ભાઈ સાથે મારા પિય૨માં જાઉ છું, તેમ કહી ઘરેથી નીકળી ગઇ હતી. સોસાયટીના કોમન પ્લોટ પાસે તે પહોંચી તે વખતે યુવતીના ભાઈ સમજાવવા સારુ જતા યુવકનો સાળો અને તેની સાથે આવેલા બીજા 2 મિત્રોએ ગાળાગાળી કરી હતી, ત્યારે ગાળો બોલવાની ના પાડતા ત્રણેય લોકો ઉશ્કેરાઈ ગયા હતા, અને યુવકના ભાઈને માર મારવા લાગ્યા હતા. તે વખતે આજુબાજુના લોકો આવી જતાં યુવકના ભાઈને વધુ મારામારીમાંથી છોડાવ્યો હતો. આ બાબતનું યુવકને લાગી આવતા તેણે તેના ઘરનો દરવાજો બંધ કરી દઈ ઘરમાં રહેલી સાડી વડે ગળે ફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો. તે વખતે યુવકનો ભાઈ અને સોસાયટીના બીજા લોકો આવી જતા તે લોકોએ બળપૂર્વક દરવાજો ખોલી યુવકને નીચે ઉતારી દીધો હતો. બાદમાં પ્રાઇવેટ વાહનમાં યુવકને સારવાર માટે લઈ જવાયો હતો. સમગ્ર બાબતને લઈને યુવકે તેના સાળા અને તેના 2 મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.