-
અંબાજીમાં મહિલા રાષ્ટ્રીય આર્ચરી સ્પર્ધાનો પ્રારંભ
-
મુખ્યમંત્રીના હસ્તે સ્પર્ધાનો કરાયો પ્રારંભ
-
દેશભરમાંથી વધુ 500થી મહિલા સ્પર્ધકોએ લીધો ભાગ
-
ગુજરાત ગ્રામ્ય પોલીસમાંથી એક માત્ર મહિલા સ્પર્ધક
-
જમ્મુ-કાશ્મીરની પેરા ખેલાડી મહિલા આર્ચરી પણ છે સ્પર્ધક
અંબાજીમાં રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાની શરૂઆત થઇ છે,આ સ્પર્ધામાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની 500 ઉપરાંત મહિલાઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો છે.
યાત્રાધામ અંબાજીમાં રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એન.ટી.પી.સી ખેલો ઇન્ડિયા નેશનલ રેકીંગ અને વિમેન્સ આર્ચરી ટૂર્નામેન્ટનું અંબાજી ખાતે સૌપ્રથમ વખત આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની 500 ઉપરાંત મહિલાઓએ આ આર્ચરી સ્પર્ધામાં ભાગ લીધો છે.આ સ્પર્ધા અંબાજીના જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે 3 દિવસ ચાલશે. આ સ્પર્ધામાં આજે ક્વોલિફિકેશન રાઉન્ડની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી છે. જ્યારે સ્પર્ધાના બીજા દિવસે એપ્રિલ ટોપ-16 નોક આઉટ રાઉન્ડ અને મેડલ સેરેમની મેચ યોજાશે.
મહત્વની બાબત એ છે કે આર્ચરી ક્ષેત્રે દેશ વિદેશમાં પોતાનું નામ રોશન કરવા સાથે દેશનું નામ ઉંચુ કરવા માટે સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લેતા હોય છે. તેમાં ગુજરાત ગ્રામ્ય પોલીસ માંથી એક માત્ર મહિલા સુજીબેન રાઠવાએ ભાગ લીધો છે અને પોતે મેડલ જીતવાની અપેક્ષા વ્યક્ત કરી છે.
આ ટૂર્નામેન્ટમાં પેરા ખેલાડી જે બન્ને હાથે હેન્ડીક્રાફ્ટ છે અને હાથ વગર જ જેમણે ઇન્ટરનેશનલ અને ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કર્યા છે,તેવી જમ્મુ-કાશ્મીરની મહિલા આર્ચરી શિત્તલદેવી આ ટૂર્નામેન્ટની આકર્ષણ બની હતી. બન્ને હાથ ન હોવા છતાં તીર નિશાના પર ટાંકવાની વિશેષ આવડત તેમનામાં છે.આ આખી સ્પર્ધા ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાત અને આર્ચરી એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી આ સમગ્ર ઇવેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.