અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ટ્રેનની અડફેટે સિંહો આવી જતા મોત થયાની ઘટના હજુ તાજી છે, ત્યા હવે ટ્રેનની અડફેટે 24 જેટલા પશુઓ આવી જતાં તમામના મોત થયા છે. જેને પગલે રેલવે વિભાગના અધિકારીઓ, કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રેલવે ટ્રેક પર મોટી સંખ્યામાં પશુઓ આવી ચડ્યા હતા, ત્યારે સામેથી મહુવાથી સુરત પેસેન્જર ટ્રેનમાં 24 જેટલા પશુઓ કચડાઈ જતાં અરેરાટી મચી હતી. ઘટનાને લઈ થોડીવાર માટે ફાટક પણ બંધ કરી દેવામાં આવી હતી. તેમજ ટ્રેનને 25 મિનિટ સુધી ઉભી રાખવાની ફરજ પડી હતી. ઘટનાને લઈ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાને સ્થાનિકોએ જાણ કરતા તાત્કાલિક પોલીસ, નગરપાલિકાની ટીમને જાણ કરી ડીવાયએસપી હરેશ વોરા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ, રેલવે વિભાગના અધિકારીઓ, સદભાવના સેવાભાવી ગ્રુપ, ગૌપ્રેમી અને જીવદયાપ્રેમીઓ સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં પાલિકાની ટીમ દ્વારા તમામ પશુના મૃતદેહને રેલવે ટ્રેક પરથી હટાવી મૃતદેહોને પાલિકાના વાહનોમાં ખસેડવામાં આવ્યા હતા. સાવરકુંડલા તાલુકાના રેલવે ટ્રેક પર પશુઓ સાથે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ટ્રેનની અડફેટે સિંહોના મોત થયા બાદ હવે 24 જેટલા પશુના મોતથી જીવદયા પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.