અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે થયા બાદ લાભાર્થીઓના બદલે અન્ય લોકોને લાભ મળ્યો હોવાના આક્ષેપ સાથે સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં કમોસમી વરસાદ અને તાઉતે વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા સહાય વળતર ચુકવવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થીઓના બદલે અન્ય લોકોને લાભ મળ્યો હોવાની બૂમો ઉઠી છે, ત્યારે સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં સર્વેમાં ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખને આવેદન પત્ર પાઠવી આગામી 3 દિવસમાં લાભાર્થીઓને લાભ નહીં મળે તો પંચાયત કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.