અમરેલી જિલ્લા SOG પોલીસે ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવી ખેડૂતો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજ શખ્સને રૂ. 12.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રોડ પર ગેસ એજન્સીના ગોડાઉનમાં બનાવટી જંતુનાશક દવા બનાવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે અમરેલી SOG પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની રેડમાં ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ બનાવવા ડુપ્લીકેટ અને અનઅધિકૃત બનાવટી પેકિંગ સહિતનો સામાન મળી આવ્યો હતો. પોલીસે જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરીના સંચાલક અલ્કેશ ચોડવડિયાની ધરપકડ કરી હતી, અને જંતુનાશક બોટલ નંગ 876 જેની કિંમત રૂ. 12 લાખ 39 હજાર અને પ્લાસ્ટિકની બોટલ પર બનાવટી સ્ટીકર ચોંટાડવા અને બોટલ સીલ કરવાના અલગ અલગ 7 મશીનની કિંમત રૂપિયા 49 હજાર મળી કુલ રૂપિયા 12 લાખ 88 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.