સૌરાષ્ટ્રમાં જૂની પરંપરાઓ સાથે જુનવાણી સંસ્કૃતિઓ જમીનમાં હજુ ધરબાયેલી છે. આ જમીનમાં ગરક થઈ ગયેલ અતિ પૌરાણિક વાવ વર્ષો બાદ ખોદકામ દરમ્યાન મળી આવી હતી. જેમાં દાયકાઓ જૂની કોતરનક્શી કામવાળી પૌરાણિક વાવ ક્યાં મળી આવી ને કેવી છે, આ પૌરાણિક વાવ... જુઓ અમારા વિશેષ અહેવાલમાં...
આ છે અમરેલી જિલ્લાનું દેવળીયા ગામ... દેવળીયા ગામમાં વર્ષ 2006માં એક ખોદકામ દરમ્યાન જુનવાણી પુરાઈ ગયેલી વાવમાં શિવલિંગ મળી આવ્યું હતું. જે કચરાના ઢગમાંથી મળ્યું હોવાથી અપૂજનીય રહ્યું હતું. જોકે, એક મંદિરમાં આ શિવલિંગને ફરી પૂજા-પાઠ કરીને એ જ જગાએ સ્થાપન કરવાના આયોજનમાં દેવળીયા ગામે ગ્રામસભા યોજી હતી. જેમાં જે જગ્યાએ શિવલિંગ મળ્યું, ત્યાં જ શિવલિંગ સ્થાપન કરવાનું ગ્રામસભામાં નક્કી થયા બાદ શિવલિંગ મળ્યું એ જગ્યાએ ખોદકામ શરૂ કરતાં 10 ફૂટની કમાનવાળી જગ્યામાં પ્રથમ એક ગેઇટ જોવા મળ્યો હતો. જોત જોતા એ અતિ પૌરાણિક વાવ હોવાના ચિહ્નો જોવા મળતા દેવળીયા વાસીઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. વર્ષો પહેલા વાવમાં દટાયેલું શિવ મંદિર મળી આવ્યું હતું. 3 માળની બાજુમાં જ કોતરણવાળી અને પગથિયાંવાળી વાવ મળતા જિલ્લા પ્રશાશનને જાણ કરવામાં આવી હતી. ગામના વૃદ્ધો પાસે પણ આ માહિતી ન હતી અને વડવાઓએ પણ આ વાવથી અજાણ હોવાનું જણાવ્યું હતું, જ્યારે 3 માળની વિશાળ પૌરાણિક અને કલાત્મક વાવ જોઈને ગ્રામજનો અચંબિત બની ગયા હતા. ગ્રામ પંચાયત દ્વારા વાવના ખોદકામની કામગીરીમાં 3 માળની વાવનો ઉપરનો એક માળ નષ્ટ જેવો થઈ ગયો છે, જ્યારે 2 માળ હજુ હયાત જોવા મળ્યા હતા. જમીનથી 48 ફૂટ ઊંડે સુધી 10 ફૂટની પહોળાઈ અને 13 ફૂટની ઊંચાઈ એક માળમાં એ મુજબનું બાંધકામ છે, જેમાં નક્શી કામ અને પ્રાચીન મૂર્તિઓ પણ જોવા મળી છે. 28 ફૂટ નીચે શિવમંદિર બનાવમાં આવ્યું છે, જ્યારે 48 ફૂટ નીચે બાંધકામ પૂરું થાય તેની નીચે ઊંડો કૂવો લગભગ 18 ફૂટનો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જોકે, લોક વાયકા મુજબ મુગલ શાશનકાળ દરમ્યાન મુગલોના ત્રાસથી હિન્દુ મંદિરો બંધ કરવામાં આવતા હતા, તે સમયે વાવ અને મંદિરને માટી નાખીને બુરી દેવામાં આવ્યા હોય શકે તેવી પણ દેવળીયાવાસીઓમાં ચર્ચા છે, ત્યારે અમરેલી જિલ્લામાં હાલમાં આટલી મોટી વિશાળ કે, પૌરાણિક પ્રાચીન વાવ ક્યાંય નથી, જેને લોકો માટે ઐતિહાસિક સ્થળ તરીકે વિકસાવવા માટે પંચાયત દ્વારા લોકફાળો એકત્ર કરીને જીર્ણોદ્ધાર કરવામાં આવશે. વાવની અંદર મંદિરમાં ધામધૂમપૂર્વક મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. એટલું જ નહીં આ મંદિરમાં ડેકોરેશન સહિત લાઇટિંગ કરીને શુશોભીત કરવાનું પણ આયોજન કરાયું છે. વહીવટી તંત્ર દ્વારા પૌરાણિક વાવની મુલાકાત લઈને સરકારને વાવના ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા છે. આ સાથે જ પુરાતન વિભાગ પણ આ સ્થળની મુલાકાત કરે તેવું દેવળીયાવાસીઓ ઇચ્છી રહ્યા છે.