માનવ ઉપર સિંહ-દીપડાના હુમલાની ઘટનામાં વધારો
છેલ્લા 4 દિવસમાં સર્જાય ચૂકી છે હુમલાની 3 ઘટનાઓ
માનવ ઉપર હુમલા થતાં વન વિભાગ હરકતમાં આવ્યું
વન્યપ્રાણીના હુમલાથી બચવા લોકોને માર્ગદર્શન અપાયું
જનજાગૃતિ કાર્યક્રમમાં ગ્રામજનો સહિત ખેડૂતોની હાજરી
અમરેલી જીલ્લામાં માનવ ઉપર સિંહ-દીપડાના હુમલાની 3 ઘટના સર્જાતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. સિંહ-દીપડાના હુમલાથી બચવા કેવા પગલાં લેવા જોઈએ તે અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહો દ્વારા માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતો સહિત ગ્રામજનોમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલી જીલ્લામાં માનવ ઉપર વન્યપ્રાણીઓના હુમલાથી લોકોને બચાવવા વન વિભાગે કમર કસી છે. ધારી ગીર પૂર્વના ગામડાઓમાં સિંહ-દીપડાના હુમલાની 3 ઘટના બાદ વન વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેના ભાગરૂપે ગરમલી ગામ ખાતે જનજાગૃતિ અંગે સ્થાનિકો સાથે વન વિભાગે બેઠક યોજી હતી. જેમાં વન્યપ્રાણીઓના હુમલાથી બચવા શું કરવું તે અંગે ગ્રામજનોને વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. તો બીજી તરફ, ગ્રામજનોએ પણ પોતાને મૂંઝવતા પ્રશ્નો કરતાં વન વિભાગ દ્વારા તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.