પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા નગર ભભૂત લગાવીને ભૂતોમય બન્યું હોય તેવો અદભુત માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.
શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોય ને ગામ આખું ભૂતમય બન્યું હોય તેવો માહોલ ઉભો કરી નાના નાના શિવજી અને ભૂતોનું ટોળું અમરેલીના સાવરકુંડલા શહેરના રાજમાર્ગો પર જોવા મળ્યું હતું. સાવરકુંડલાના રુદ્રગણ દ્વારા સતત 25માં વર્ષે શિવજીની અનોખી શાહી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડી.જે.ના તાલ સાથે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે તેવું વાતાવરણ ઊભું થતાં અદભુત માહોલ રચાયો હતો. આ પાલખી યાત્રામાં નાના નાના બાળકો ભૂતોના વેશ ધારણ કરીને મોઢા પર કલર અને ભભૂત લગાવીને હર હર મહાદેવના નાદ સાથે ડી.જે.ના તાલે ઝૂમી ઉઠ્યા હતા. નાના બાળ શિવજી સાથે અન્ય લોકોએ શિવજીની વેશભૂષા ધારણ કરી તો આખું સાવરકુંડલા શિવમય બન્યું હોય તેવો ભાસ ઊભો થયો હતો. બાળકોથી લઈને અબાલ વૃદ્ધ સૌકોઈ શિવજીની પાલખી યાત્રા અને ભૂતોના ટોળાને જોવા ઉમટી પડ્યા હતા. શિવમય બનેલા સાવરકુંડલામાં શિવજીની અનોખી પાલખી યાત્રાએ ચાર ચાંદ લગાવ્યા હતા.