અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અમરેલી અભ્યાસ અર્થે જવા માટેની અમરેલી-ઉના એસ.ટી. બસ ઉભી ન રહેતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા એસ.ટી. બસને થોભાવવામાં આવે તેવી માંગ સાથે ડેપો મેનેજરને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.
ખાંભા તાલુકો ગીરકાંઠાનો છેવાડાનો તાલુકો છે, ત્યારે ખાંભા તાલુકાના લાસા, ઉમરીયા તાતણીયા, ગીદરડી, ધાવડિયા અને નાનુડી ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અમરેલી જતા હોય છે. જોકે, સવારમાં અમરેલી જવા માટેની અમરેલી-ઉના બસના ડ્રાઇવર અને કંડક્ટરે પોતાની મનમાની ચલાવી નાનુડી બસ સ્ટેશનને થોભાવી ન હતી. જેના કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. સમયસર અભ્યાસ અર્થે અમરેલી પહોંચી ન શકતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. આમ તો કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો છે. જોકે, હવે શાળા અને કોલેજો તો શરૂ થઈ છે, પરંતુ એસ.ટી. બસ ઉભી ન રહેતી હોવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડશે તેમ લાગી રહ્યું છે. આ બાબતે ઉના એસ.ટી. ડેપો મેનેજર તેમજ અમરેલી ડીસીને મૌખિક જાણ કરવામાં આવી હતી, ત્યારે તેઓ દ્વારા હવે એસ.ટી. બસ રેગ્યુલર થઈ જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં એસ.ટી. બસના ડ્રાઈવર અને કંડક્ટર બસ થોભાવશે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી.